બનાસકાંઠા : વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19 થી પ્રભાવિત મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા
પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં રાજયના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જે મતદારો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે મતદાન મથકે જઈ મતદાન કરી શકતા નથી તેમના માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા દરેક ચૂંટણીમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.
પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની સાથે સાથે 80 વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19 થી પ્રભાવિત અથવા કોવિડ શંકાસ્પદ મતદારો, જેમને મતદાન મથકના સ્થળે જવામાં મુશ્કેલી હોય પણ તેઓ તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકના બુથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા તેમના વિસ્તારમાં આવા મતદારો માટે અરજીનો નિયત નમૂનો ફોર્મ-12 ડી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે .બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ફોર્મ-12 ડી મળ્યેથી તેમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી આધાર પુરાવા સાથે તા.14 નવેમ્બર 22 સુધીમાં સબંધિત ચૂંટણી અધિકારીશ્રી/ મદદનીશ ચૂંટણી અધિકારીને મોકલી આપવાના રહેશે ત્યારબાદ ચકાસણીના અંતે મંજુર થયેલ ફોર્મ-12 ડી વાળા મતદારોને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે. આવા મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યુ છે.
આ પણ વાંચો : ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું કેટલીક અંદરની વાતો, તમામ પક્ષોની વાત અને સાથે મુખ્ય ઘટનાઓ પર નજર