ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ભીલડીના દરેક સમાજોએ વ્યસન અને કુરિવાજો છોડવાના સંકલ્પ કર્યા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામમાં બુધવારે એક નવો ઈતિહાસ રચાયો હતો. કેમકે ભીલડી ગામની સમગ્ર આર્યપ્રજાના દરેક સમાજોએ ભેગાં થઈને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢી હતી.

ભીલડીમાં યોજાયલી ભવ્ય રથયાત્રામાં 2000 લોકો જોડાયા

જેમાં ભીલડી ગામના 2000 થી વધુ લોકોએ રથયાત્રાના દર્શનનો લાભ લીધો હતો. અને ભીલડી ગામમાં એક મોટા સુધારાની મજબૂત શરૂઆત થઈ હતી.આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબનની નિશ્રામાં પાર્શ્વનાથ ભગવાનની રથયાત્રા બે કિલોમીટર જેટલી ફરીને પ્રાથમિક શાળાના મેદાન ખાતે બાંધેલા મંડપમાં પહોંચી હતી.

 રથયાત્રા-humdekhengenews

જ્યાં પૂજ્ય ગુરુ મહારાજે દોઢ કલાકનું પ્રવચન આપ્યું હતું. પ્રવચન દરમ્યાન ગુરુ મહારાજની વાણીના જાદુઈ પ્રભાવથી બ્રાહ્મણ સમાજ અને ઠાકોર સમાજના આગેવાનોએ ઉભા થઈને સમાજમાં ચાલતા કેટલાંક કુરિવાજો બંધ કરવાની જાહેરાત કરી હતી, તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા વ્યસનમુક્તિ માટેનું અભિયાન ઉપાડવાની જાહેરાત કરાઈ હતી.

સંકલ્પ -humdekhengenews

ગામના ઠાકોર, બ્રાહ્મણ, મુસલમાન અને મોદી સમાજ સહિત દરેક સમાજે આ કાર્યક્રમમાં ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગામની એકતાનો દાખલો પૂરો પાડ્યો હતો.જ્યારે શાળાના 500 થી વધુ દિકરા-દિકરીઓ આ રથયાત્રામાં જોડાયાં હતાં તેમજ 70 થી વધુ દિકરીઓએ માથે બેડા લઈને સામૈયું કર્યું હતું. સામૈયું કરનાર દરેક દિકરીઓને ઠાકોર સમાજના આગેવાન તરફથી 50-50 રૂપિયાની પ્રભાવના આપવામાં આવી હતી.

 રથયાત્રા-humdekhengenews

આ કાર્યક્રમમાં ભીલડી ગામના સરપંચ મનુભાઈ જોષી,નવી ભીલડીના સરપંચ કાંતિભાઈ માળી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આખા રસ્તે ભગવાનને ચોખાથી વધાવવામાં આવ્યા હતા. જ્યારે બાળકો રથયાત્રા પ્રસંગે વ્યસનમુક્તિ માટેના પોસ્ટરો લઈને ચાલતાં હતા. સંપૂર્ણ કાર્યક્રમ ખાસ કરીને શ્રીરામદેવ યુવક મંડળનાં યુવાનોએ સંભાળ્યો હતો. ગુરુ મહારાજે પ્રવચનમાં વ્યસનમુક્તિની હાકલ કરતાં બીડી-તંબાકુ અને ગુટખાના ઢગલાં કરી દેવાયાં હતાં.

આ પણ વાંચો:ભારતીય વાયુસેના કરશે યુદ્ધાભ્યાસ, આકાશમાં દેખાશે રાફેલ-સુખોઈનો દમ

Back to top button