બનાસકાંઠા: ડીસા માર્કેટયાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની 10 જુલાઈએ ચૂંટણી


પાલનપુર: ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાની ચૂંટણી અઢી માસ અગાઉ યોજાયા બાદ હવે તારીખ 10 જુલાઈએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાની જાહેરાત સહકાર વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે ચેરમેન તરીકે માવજી દેસાઈ જૂથ ફાવશે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઇ દેસાઈ ચેરમેન બનશે તેને લઈને અટકળો ચાલી રહી છે.
કોણ બનશે ચેરમેન ને લઈ સસ્પેન્સ
ડીસા માર્કેટયાર્ડની 14 ડિરેક્ટરો માટેની સામાન્ય ચૂંટણી તારીખ 17 એપ્રિલે યોજાઈ હતી. ચૂંટણીમાં વર્તમાન ચેરમેન માવજી દેસાઈની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ આવી હતી. જ્યારે સામેની પેનલમાં એક માત્ર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ જ ચૂંટાયા હતા. આથી માર્કેટ યાર્ડમાં માવજી દેસાઈના જૂથનો વ્યક્તિ ચેરમેન બનશે તે નક્કી હતું. ત્યાર બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીને લઈને ભારે સસ્પેન્સ સર્જાયું હતું. તેમજ આંતરિક ખેંચતાણના કારણે હજુ સુધી ચેરમેનની વરણી થઈ શકી ન હતી.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અઢી મહિના અગાઉ ચૂંટણી યોજાઈ હતી
જોકે, આ દરમિયાન રાજકીય ઉલટફેર થતાં ગોવાભાઇ દેસાઈએ કોંગ્રેસમાંથી ભાજપનો ખેસ પહેરી લેતા ગોવાભાઇ માર્કેટયાર્ડના ચેરમેન બનવા જ ભાજપમાં આવ્યા હોય તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે ભાજપે પણ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગોવાભાઇ દેસાઈને માર્કેટ યાર્ડના ચેરમેન પદનું કમિટમેન્ટ આપ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આથી હવે 10 જુલાઈએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ગોવાભાઇ દેસાઈ ચેરમેન બનશે કે માવજી દેસાઈ જૂથનો વ્યક્તિ તેને લઈને અટકળો ચાલી રહી છે.