બનાસકાંઠા : ડીસામાં સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા 27 જૂન 2024 : ડીસામાં ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા-ડીસા અને મહીલા શક્તિ દ્વારા કે. બી. અગ્રવાલ હાઇસ્કૂલમાં વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત મહીલા શક્તિ ગૃપના મહીલા સંયોજીકા શિલ્પાબેન ઠક્કર દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યસનના ભોગ બને છે તે જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શાખાના ટ્રસ્ટી અને પ્રસિદ્ધ ઇ.એન.ટી. સર્જન અને કેન્સર નિષ્ણાંત ડો. મનોજભાઇ અમીન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વ્યસનના પ્રકારો, વ્યસનથી થતી જૂદા-જૂદા પ્રકારની ખરાબ અસરો અને વ્યસનથી થતાં નુકશાન વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય તે હેતુથી ખૂબ જ સરળ ભાષામાં બોધ રૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને વ્યસનથી કેવી રીતે મુક્ત રહી શકાય તે માટે પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત શાળાના લગભગ 300 જેટલાં વિદ્યાર્થીઓ સમક્ષ તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજનું યુવાધન જે જાણે-અજાણે વ્યસનના રવાડે ચડી જાય છે અને ગંભીર પરિણામો ભોગવે છે તેમાંથી મુક્તિ મેળવીને અને વ્યસન મુક્ત રહીને તંદુરસ્ત જીવન દ્વારા તંદુરસ્ત સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં આપણે કેવી રીતે યોગદાન આપી શકીએ તે બાબત પર ખૂબ જ અસરકારક વિચારો રજૂ કર્યાં હતા.
તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, તે આપણું દુશ્મન કોઇ વ્યક્તિ કે દેશ નહીં પરંતુ આપણું વ્યસન છે. જેનાથી આપણે જરૂરથી બચવું જોઇએ. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદનો પરિચય પ્રીતિબેન શાહ દ્વારા આપવામાં આવ્યો હતો અને આભાર વિધી વીણાબેન માધવાણી દ્વારા કરાઇ હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમેશભાઇ ઠક્કર, મંત્રી નિલેશભાઇ રાવલ, મહીલા સંયોજીકા શિલ્પાબેન ઠક્કર, ટ્રસ્ટીઓ ડો. મનોજભાઇ અમીન, ડો. તુષારભાઇ શાહ, રાજુભાઇ ઠક્કર, મહીલા સહ સંયોજીકા વીણાબેન માધવાણી, પ્રીતિબેન શાહ, મહેશભાઇ મનવર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કે.બી.અગ્રવાલ હાઇસ્કૂલ ડીસાના નિયામક નટુભાઇ વ્યાસ અને આચાર્ય દશરથભાઇ સાંખલાના માર્ગદર્શન અને સર્વે સ્ટાફ મિત્રોના સહકારથી ખૂબ જ સફળ રહ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા કોલેજની ખેલાડીએ ખેલ-મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ જીત્યો