બનાસકાંઠા : રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના જિલ્લા પ્રમુખનું કોંગ્રેસમાંથી રાજીનામું
પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના જિલ્લા પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ માત્ર સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ કરતી હોવાના ગંભીર આક્ષેપો સાથે રાજીનામુ આપતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાયો હતો.
વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં ડીસામાં કોંગ્રેસને વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના જિલ્લા પ્રમુખ નવીન પરમારે તેમના પરિવાર સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. નવીનભાઈ પરમારે જણાવ્યું હતું કે, તેમને તેમના સમાજના વિકાસ માટે ખૂબ જ આશા અને અપેક્ષાઓ હતી, અને તેથી તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પરંતુ કોંગ્રેસે તેમના સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. અને સમાજના વિકાસમાં કોઈ જ મદદ કરી નથી જેવા ગંભીર આક્ષેપ સાથે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાંથી તેમનું રાજીનામું ચૂંટણીમાં કોંગ્રેસ માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે.