બનાસકાંઠા જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને મેનેજર રૂ.45 હજારની લાંચમાં ફસાયા
- ફિલ્ડ ઓફિસરની નોકરી આપવા બંને એ લાંચ માંગી હતી
પાલનપુર, 14 જૂન : બનાસકાંઠા બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી આપવા માટે દહેજ પ્રતિબંધક સહરક્ષણ વર્ગ-૨ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સેવાસદન બે જોરાવર પેલેસ પાલનપુર અને નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરના કરાર આધારિત મહિલા મેનેજર એ એક અરજદાર પાસેથી રૂપિયા 45,000 ની માગણી કરી હતી. જોકે, અરજદાર લાંચ આપવા માંગતા ન હોઈ અરજદારની પત્ની એ એસીબીમાં ફરિયાદ કરતા પાલનપુર એ.સી.બી.એ છટકું ગોઠવ્યુ હતું. જે છટકા બંનેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, પાલનપુર જોરાવર પેલેસમાં સેવા સદન ભાગ-૨ માં આવેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ વીરાભાઇ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુર ના કરાર આધારિત મેનેજર આશાબેન પરેશકુમાર નાયક પાસે એક અરજદાર ના પતિ મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠામાં ફીલ્ડ ઓફિસર તરીકે નોકરી માટે ગયા હતા. જેથી તેઓએ નરેશભાઈ અને આશા બેનનો સંપર્ક કરતા બંને વ્યક્તિઓ એ અરજદારના પતિને કરાર આધારિત નોકરીમાં રાખવા સારું ત્રણ માસનો પગાર રૂપિયા 45,000 ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી.
જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોય તેઓએ પાલનપુર એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના પગલે બનાસકાંઠા એસીબી દ્વારા ડેરી રોડ પાલનપુર નારી સંરક્ષણ ગૃહ ખાતે લાંચના છટકા નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરના મેનેજર કરાર આધારિત આશાબેન પરેશકુમાર નાયક અરજદાર પાસેથી ગેરકાયદેસર લાંચની રકમની માગણી કરી લાંચના નાણા સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા. તેમજ લાંચ ની રકમ માં બંને કર્મચારીઓએ એકબીજાની મદદગારી કરી હોવાથી એસીબી એ નરેશભાઈ વીરાભાઇ મેણાત દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી ને પણ ઝડપી લઇ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી હતી.