ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લોકસભા ચૂંટણી પૂર્વે દાંતા તાલુકાના કોંગ્રેસમાં ભંગાણ

  • આદિવાસી સમાજના આગેવાને ચાર હજાર સમર્થકો સાથે ભાજપનો કેસરીયો ધારણ કર્યો
  • હડાદ ખાતે ભાજપની સભામાં ડો.રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીત અપાવવાનો નિર્ધાર કરાયો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તુટે તેવી થઇ રહી છે. અગાઉ પાલનપુર,ધાનેરાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યો,થરાદ કોંગ્રેસના અગ્રણી કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના ગઢ સમા દાંતા તાલુકાના હડાદ ખાતે ભાજપની સભા યોજાઇ હતી. ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના દિગ્ગજ આગેવાન તેમના ચાર હજાર સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના મહિલા ઉમેદવાર ડો.ડો.રેખાબેન ચૌધરી ને જંગી લીડથી ભવ્ય વિજય અપાવવાનો નિર્ધાર કરતા કોંગ્રેસના ગઢ ભંગાણ સર્જાયું છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે શિક્ષિત મહિલા ઉમેદવાર અને જિલ્લા શ્વેતક્રાંતિ લાવનાર બનાસ ડેરીના આધ સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલની પૌત્રી ડો.રેખાબેન હિતેશભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે દૂધ ઉત્પાદન થકી આત્મ નિર્ભર બનેલ જિલ્લાના લાખો પશુ પાલકોમાં સ્વ.ગલબાકાકાનું ઋણ અદા કરવાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અનેક આગેવાનો અને સમાજો દ્વારા ડો.રેખાબેનને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે અને તેમની સભામાં અનેક આગેવાનો ભાજપમાં જોડાય રહ્યા છે .

જે વચ્ચે ગુરુવારે દાંતા તાલુકાના હડાદ ગામે રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા,જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપની સભા યોજાઇ હતી .જેમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના આગેવાન ચંદ્રકાંતભાઇ બેગડિયા તેમના ચાર હજાર જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીતાડવાનો નિર્ધાર કર્યો હતો. જોકે કોંગ્રેસના ગઢ સમા દાંતા તાલુકામાં આદિવાસી આગેવાન ચાર હજાર સમર્થકો સાથે ભાજપમાં જોડાયા લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ભંગાણ સર્જાતા કોંગ્રેસની છાવણીમાં નિરાશા છવાઇ જવા પામી હતી.

આ પણ વાંચો : ‘કોંગ્રેસની નજર મંદિરોના પૈસા પર….’: મંગળસૂત્ર અને વારસાઈ ટેક્સની ચર્ચા વચ્ચે કર્ણાટકમાં રાજ્યપાલે ઉઠાવ્યા પ્રશ્નો

Back to top button