બનાસકાંઠા : પેટ્રોલિયમ પાઇપ લાઇનના જમીન વળતરમાં વિસંગતતા, ખેડૂતોમાં અસંતોષની જ્વાળા ભડકી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં એચપીસીએલ કંપની દ્વારા અલગ- અલગ તાલુકાના ખેડૂતોને વળતર પેટે ફાળવેલી રકમમાં રહેલી વિસંગતતાને લઈને ખેડૂતોમાં અસંતોષની જ્વાળા ભડકી છે. ડીસાના એક અરજદારે એક જ જિલ્લામાં બે કાયદા કેવી રીતે હોય ? તેવો પ્રશ્ન ઉઠાવીને સક્ષમ ઓથોરીટી સમક્ષ રજૂઆત કરી હતી. અને વળતર ચૂકવવાની બાબતને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ પણ અરજદારે કર્યો છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના બાડમેર (પંચપદરા) ખાતે એચપીસીએલ કંપનીની રિફાઇનરી આવેલી છે. જ્યાં તેલના વહન માટે પેટ્રોલિયમ પાઇપલાઇન નાખવામાં આવી હતી.
આ કામગીરીમાં ડીસા, ધાનેરા અને પાલનપુર તેમજ રાજસ્થાનના પથમેડા ગામના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી હતી. જેના માટે ખેડૂતોને ખેતરમાંથી પસાર થતી પાઇપ લાઈનની જમીનના વળતરનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેલ કંપની દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અલગ -અલગ રકમના વળતરના ચુકવણા થયા હોવાનું સામે આવ્યું છે.
અને જે રકમની ચૂકવણી કરવામાં આવી રહી છે તેમાં ભારે વિસંગતતા હોવાને લઈને ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. અહીંના થરાદ તાલુકાના ખેતરો માંથી પાઇપલાઇન નાખવામાં આવી હતી. જ્યાં સ્થાનિક જંત્રી પ્રમાણે જે રકમ ચૂકવાઇ છે. તે જ રીતે ડીસા તાલુકાના ખેડૂતોને ચૂકવવામાં આવી નથી. એટલે એક જ કંપનીએ એક જ પ્રોજેક્ટ હેઠળ બંને તાલુકાઓમાં જમીનમાં વળતરની ચુકવણી માટે અલગ- અલગ વલણ અપનાવતા ખેડૂતોમાં ભારોભાર અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે.
પાકના નુકસાનનું વળતર પણ ના ચૂકવાયું
થરાદ તાલુકામાં ખેડૂતોને ખેતરમાં પાકના નુકસાનનું સો ટકા વળતર ચૂકવવામાં આવ્યું છે. જ્યારે ડીસા તાલુકાના ખેડૂતોને પાકના નુકસાનનું કોઈ જ વળતર ચૂકવવામાં આવ્યું નથી. આમ કંપનીએ બનાસકાંઠા જિલ્લાના જ બે તાલુકાના ખેડૂતોને વળતર ચૂકવવામાં ભેદભાવ પૂર્ણ કાર્યવાહી કરી હોવાનું રાણપુર ગામના અરજદાર કલ્યાણ રબારીએ જણાવ્યું હતું.
અમને અન્યાય કરાયો છે : કલ્યાણ રબારી
બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, પાલનપુર સહિતના ત્રણ તાલુકા ના 750 સર્વે નંબરમાંથી તેલની પાઇપ લાઇન પસાર થાય છે.જેમાં થરાદમાં જો વળતર ચૂકવાયું એ જ પ્રમાણે ડીસા, ધાનેરા તેમજ પાલનપુર તાલુકાના ખેડૂતોને નુકસાનીનું વળતર શા માટે ચૂકવવામાં આવી નથી રહ્યું. અહીંયા સોલેસિયમનું ચૂકવણું કંપની શા માટે નથી કરતી..જેમાં અધિકારીઓની મિલીભગત હોવાનું અને ભ્રષ્ટાચાર થયો હોવાની અમને શંકા છે. એટલે ખેડૂતોની કોઈપણ વાત સાંભળવામાં આવતી નથી. અને ખેડૂતોને અન્યાય કરાવવામાં આવી રહ્યો છે. જિલ્લાના રાજનેતાઓએ પણ આ અધિકારીઓની હવે સાન ઠેકાણે લાવવાની જરૂર છે. જો તેવું નહીં થાય તો નેતાઓ પણ અગાઉના દિવસોમાં ખેડૂતોના રોષનો ભોગ બની શકે છે.