ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના વરણ ગામે 600 ફૂટ સુધી ન મળ્યું પાણી

  • ભૂગર્ભ જળ રીસર્ચ ટીમનું સંશોધન
  • સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોની માંગ

પાલનપુર  04 જાન્યુઆરી 2024:  કેન્દ્રીય ભૂગર્ભ જળ રિસર્ચ ટીમ દ્વારા અત્યારે સમગ્ર ગુજરાતમાં બોર બનાવી પાણીની સ્થિતિ અંગે તપાસ થઈ રહી છે. ત્યારે ડીસાના વરણ ગામે પણ ટીમ દ્વારા બોર બનાવી તપાસ કરતા સ્થાનિક લોકોએ પાણીના કાયમી ઉકેલ માટે રજૂઆત કરી હતી.

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે અત્યારે સમગ્ર જગ્યાએ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાને બદલે અનેકગણું પાણી આપણે પાતાળમાંથી ખેંચી રહ્યા છીએ અને જો આવું જ રહ્યું તો આવનારા 10 કે 15 વર્ષમાં ભૂગર્ભજળ ખલાસ થઈ જશે. જેના ગંભીર પરિણામો લોકોએ ભોગવવા પડશે. ત્યારે સરકાર અત્યારે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા અલગ-અલગ જગ્યાએ પાણીની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યું છે અને આ સ્થિતિ તપાસ્યા બાદ કયા વિસ્તારમાં કઈ રીતે પાણીના તળ ઉંચા લાવી શકાય તે માટેની યોજનાઓ બનાવશે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વરણ ગામે પણ GCWB ની એક ટીમ આવી છે, અને છેલ્લા એક મહિનાથી બોર બનાવવાની કામગીરી કરી રહી છે. ટીમ અત્યારે 600 ફૂટ સુધીનો બોર બનાવી તપાસ કરતા પાણીના તળ મળ્યા નથી.

જોકે, હવે આ ટીમ આ રિપોર્ટ સરકારમાં કરશે અને ત્યારબાદ સરકાર આ મામલે વિચારણા કરશે. તો બીજી તરફ ગામના સરપંચ સહિત તમામ લોકોએ રિસર્ચ કરતી ટીમને રજૂઆત કરી હતી. ગામલોકોની માંગ છે કે આ વિસ્તારમાં અત્યારે 1000 ફુટથી પણ વધુ ઊંડા પાણીના તરફ પહોંચ્યા છે અને દર વર્ષે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. ત્યારે સરકાર આ રિસર્ચ બાદ ગામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી કરી છે.

આ અંગે વરણ ગામના આગેવાન નાગજી પરમાર, પરબત દેસાઈ, ભરત જોશી અને બનસિંગ દરબાર સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે, અત્યારે વરણ સહિત આજુબાજુના ગામમાં પાણીના તળ 1000 ફૂટ પહોંચી ગયા છે. સરકાર અત્યારે 600 ફૂટ સુધી રિસર્ચ કરે છે. ત્યારે રિસર્ચ કર્યા બાદ સરકાર આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને લોકોને સિંચાઈ માટે અને પીવાનું પૂરતું અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પ્રયાસો કરવા જોઈએ.

આ બાબતે ભૂગર્ભ જળ રિસર્ચ ટીમના ઓમીકુમાર દાશે જણાવ્યું હતું કે, સરકારની સૂચના અનુસાર અમે ભૂગર્ભ જળની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યા છીએ અને વરણ ગામમાં તપાસ કરતાં 600 ફૂટ સુધી પાણી મળ્યું નથી. જે અંગેનો રિપોર્ટ અમે સરકારમાં રજૂ કરીશું. તે બાદ સરકાર આગામી સમય પાણીની સ્થિતિ અને સમસ્યા અંગે આયોજન કરશે.

આં પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં કોલેજ રોડ પર જાહેરમાં જુગાર રમતા 12 શખ્સો પકડાયા

Back to top button