બનાસકાંઠા: સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી ડીસાની પરીણિત યુવતીની ચેટ અને ફોટા વાયરલ કરનાર યુવક સામે ફરિયાદ
પાલનપુર: બનાસકાંઠાના ડીસા માં એક પરણીત યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી તેની સાથે ની ચેટ અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાની ઘટના સામે આવી છે.જે મામલે યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે માગેલા પૈસા યુવતીએ આપવાની ના પાડી હતી
ડીસાની એક સોસાયટીમાં રહેતી 27 વર્ષ યુવતી ના લગ્ન ગાંધીનગર મુકામે થયા હતા. ફેશન ડિઝાઈનર નું કામ કરતી યુવતી સ્નેપચેટ પર સ્કોર વધારવા માટે અવારનવાર સ્ટ્રીક મુકતી હતી. તે દરમિયાન rutva1698 નામના યુઝર આઇડી વાળા વ્યક્તિએ આ યુવતી ને રિક્વેસ્ટ મોકલી તે મિતેષ ઠક્કર હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા વધુ ગાઢ બનતા યુવક યુવતીને મળવા માટે ગાંધીનગર પણ આવતો જતો હતો, તે દરમિયાન તે યુવકે યુવતી સાથે ફોટા પણ પાડ્યા હતા.
ત્યારબાદ મિતેશે યુવતી પાસે પૈસાની માંગણી કરી હતી પરંતુ યુવતીએ પૈસા આપવાની ના પાડતા આ યુવકે યુવતી સાથે થયેલી ચેટ અને ફોટા તેના પતિને મોકલવાની ધમકી આપી હતી, તેમ છતાં પણ યુવતી તાબે ન થતા આખરે આ યુવકે સોશયલ મીડિયામાં એક આઈડી બનાવી યુવતી સાથે થયેલી ચેટ અને ફોટા વાયરલ કર્યા હતા. જે બાબત ધ્યાને આવતાજ યુવતીએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.