બનાસકાંઠા: ડીસાના કંસારી ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું, રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા, 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પાલનપુર: બનાસકાંઠામાં ડીસા પાસેથી આજે જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ભરી જતા બે ડમ્પર ઝડપી પાડ્યા છે. ડમ્પર સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ વિભાગે ડમ્પર માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
ડમ્પર માલિકોને દંડ અને કાયદેસરની કાર્યવાહી કરાશે
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનનની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંગની સૂચનાથી માઇન્સ સુપરવાઈઝર જય પટેલ સહિતની ટીમે ખાનગી રહે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે ભૂસ્તર વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરતા ડીસાના કંસારી પાસેથી બે ડમ્પર શંકાસ્પદ હાલતમાં જઇ રહ્યા હતા. જેથી અધિકારીઓએ શંકાસ્પદ ડમ્પરને થોભાવી તલાસી લેતા તેમજ ગેરકાયદેસર રેતી ભરેલી હોવાનું જણાયું હતું.
જેથી ખનીજ વિભાગની ટીમે રેતી ભરેલા બે ડમ્પર સહિત 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને ડમ્પર માલિકોને દંડ ફટકારવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી તંત્ર દ્વારા તમામ લીઝચાલકોને થોડા દિવસો પૂરતી લીજ બંધ રાખવાનો હુકમ કર્યો છે. તેમ છતાં પણ કેટલાક ડમ્પર ચાલકો ગેરકાયદેસર રેતી વહન કરતા ખનિજ વિભાગે દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં શનિવારે નીકળશે તાજીયાનું જુલુસ