બનાસકાંઠા: ડીસાના દામા ગામનું તળાવ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો
પાલનપુર: ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભે જ સારા વરસાદના કારણે અનેક છલકાઈ જવા પામ્યા છે. ત્યારે ડીસા તાલુકાના દામા ગામનું મુખ્ય તળાવ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ જતા ગામમાં પાણીના તળ ઊંચા આવશે તેવી આશાએ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે તળાવ ઓવરફ્લો થતાં હાલ તો આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ વાવેતર પાણીમાં ગરકાવ થઈ જતા નુકસાન પણ થયું છે.
પાણી આજુબાજુના ખેતરો અને રસ્તા પર ભરાયુ
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017માં આવેલા પૂર બાદ ગયા વર્ષે થોડો ઘણો નોંધપાત્ર વરસાદ રહ્યો હતો, પરંતુ અનેક ગામોમાં તળાવો કોરા રહી જવા પામ્યા હતા. ત્યારબાદ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભ અગાઉ બિપરજોય વાવાઝોડાના કારણે વાવણી લાયક વરસાદ થયો હતો. ત્યારબાદ ચોમાસાનો પ્રારંભ થતાં જ વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સાર્વત્રિક શ્રીકાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે બનાસકાંઠાના ડેમોમાં નવા નીરની આવક પણ થઈ છે. તો અનેક ગામોના તળાવો ભરાવા લાગ્યા છે. જેમાં ડીસા તાલુકાના દામા ગામનું મુખ્ય તળાવ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયું હતું.
વાહનચાલકો સહિત પશુપાલકો મુશ્કેલીમાં
તળાવ ઓવરફ્લો થતાં વધારાનું પાણી આજુબાજુના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂતોએ આ વર્ષે સારા વરસાદની અગાહીને પગલે મગફળી, ગવાર સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદી તળાવનું પાણી ફરી વળતા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે. જ્યારે તળાવના પાણી મુખ્ય રસ્તા ઉપર પણ ભરાઈ જતા લોકોને, વિદ્યાર્થીઓને, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જો કે તેમ છતાં ગામનું તળાવ ઘણા વર્ષો બાદ પ્રથમ વખત ઓવરફ્લો થયું છે. પાણીના તળ ઊંચા આવશે તેવી આશાએ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગે સ્થાનિક ખેડૂત દિનેશભાઈ ચૌધરી અને રૂપાજીએ જણાવ્યું હતું કે, અમારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે અને તેનું પાણી અમારા ખેતરોમાં ઘૂસી ગયું છે. જેના કારણે ગવાર અને મગફળીનો પાક સાફ થઈ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી ગ્રામજનોની માગ છે.
આ પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એકેય ઉમેદવાર નહીં રાખે : ભાજપ ત્રણેય સીટ ઉપર બિનહરીફ થશે