બનાસકાંઠા : ડીસાની જેનાલ દૂધ મંડળીમાં રૂ. 45.77 લાખની ઉચાપત, પૂર્વ બે મંત્રીઓ સામે ફરિયાદ
- કમિટીના સભ્યે ફરિયાદ કરતાં પોલીસે શરૂ કરી તપાસ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં વધુ એક દૂધ મંડળીમાં ઉચાપતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાની જેનાલ દૂધ ઉત્પાદક મંડળીમાં પૂર્વ બે મંત્રીઓએ 45.77 લાખ રૂપિયાની કાયમી ઉચાપત કરી હોવાની ફરિયાદ કમિટીના સભ્ય નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે
ડીસા તાલુકાની જેનાલ દૂધ ઉત્પાદક મંડળીમાં મંત્રીઓ જ પશુપાલકોના પૈસા ચાલુ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દૂધ ઉત્પાદક મંડળીમાં છગનજી પરમાર 1 -7 -2019 થી 7 -7- 2021 અને અજમલજી પરમાર 7 -7 -21 થી 5 -8 -2022 સુધી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.ત્યારબાદ પ્રકાશજી પરમારની મંડળીના મંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી, અને મંડળીના ચોક્કસ હિસાબો મેળવવા માટે કમિટીના સભ્યોની બહાલી મેળવી મિલ્ક ઓડિટ ઓફીસ પાલનપુરને પત્ર લખી સ્પેશયલ ઓડિટ કરાવવા જાણ કરી હતી.તે મુજબ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરાવતા ઉચાપત થઈ હોવાનું જણાયું હતું.
મંડળીના ઓડિટમાં તેમના સમયગાળા દરમિયાન બંને મંત્રીઓએ પશુપાલકોના કુલ 45.77 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. અને ઉચાપત કરેલા નાણાંની રકમ એક મહિનામાં જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ એક પણ મંત્રીએ આજ દિન સુધી ઉચાપતની રકમ મંડળીમાં પરત જમા કરાવી નથી. જેથી કમિટીના સભ્ય મકનસિંહ પરમારે બંને પૂર્વ મંત્રીઓ સામે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. આગથળા પોલીસે અત્યારે બંને પૂર્વ મંત્રીઓ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.