બનાસકાંઠા : ડીસા ગ્રામ્ય મામલતદારની ટીમે ગેરકાયદેસર રેતી ખનન ઝડપ્યું
- રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ ભરેલા 4 ડમ્પર સહિત અંદાજીત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાલનપુર 3 ફેબ્રુઆરી 2024 : બનાસકાંઠાના ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી આજે ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતી ભરીને જતા 4 ડમ્પર ઝડપાયા છે. ડીસા ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે ખાનગી વાહનોમાં પહોંચી રેડ કરી હતી.
ડીસા પાસેથી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીની તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ હતી. જેથી ફરિયાદને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર બી. એસ. દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી. જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવી તલાસી લેતા મોટાભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું.
જેથી મામલતદારની ટીમે ઓવર લોડ રેતી ભરેલા 4 ડમ્પરને ઝડપી પાડ્યા હતા. તેમજ અંદાજીત એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ડમ્પરના માલિકોને દંડ ફટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખી રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયાઓના ફફડાટ ફેલાયો હતો.
આ અંગે ગ્રામ્ય મામલતદાર બી.એસ. દરજીએ જણાવ્યું હતું કે, બનાસ નદીમાંથી ગેરકાયદેસર રતીનું ખનન થતું હોવાની લોકોની ફરિયાદના અનુસંધાને આજે વહેલી સવારે 6 વાગે હું, મહેસૂલ નાયબ મામલતદાર, ત્રણ સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી,ક્લાર્ક, ઓપરેટર અને પટાવાળા સહિતની ટીમે બનાસ નદીમાં ડ્રાઇવ કરી હતી. જ્યાં 4 ડમ્પરો પકડાયા હતા જેની તપાસ કરતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું. જેથી અમે છ ડમ્પર જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ પાલનપુરને રિપોર્ટ મોકલી આપ્યો છે. અમે સતત બનાસ નદીમાં વોચ રાખી ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકો પર સતત વોચ રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો : જૂનાગઢ તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર