બનાસકાંઠા: ડીસા એસ.સી. ડબલ્યુ. હાઇસ્કુલનું નામ મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરવા માટે બોર્ડમાં મળી સંમતિ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અંગ્રેજોની છાવણી હતી. 200 વર્ષ અગાઉ અંગ્રેજોએ બનાસ નદીના કિનારે ડીસા ખાતે તેમનો કેમ્પ રાખીને વસવાટ કર્યો હતો. ત્યારે 160 વર્ષથી પણ વધુ જૂની ગણાતી સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કુલ ની સ્થાપના તે સમયે કરવામાં આવી હતી. હવે આ શાળાનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે ડીસા નગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં સર્વ સંમતિથી ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. અંગ્રેજોની ગુલામીની યાદના બદલે શહેરના લોકો દેશના મહાન અને પરાક્રમી લોકોને યાદ કરે તે આશયથી આ નામ બદલવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
ડીસામાં 200 વર્ષ પહેલા અંગ્રેજોની છાવણી હતી. જેથી ગોરા અમલદારો અને સૈનિકોનો નિવાસ પણ અહીંયા જ હતો. આજે ડીસા શહેરને ઘણા કેમ્પ કે કોપ તરીકે પણ ઓળખે છે. આ અંગ્રેજોના બાળકોના અભ્યાસ માટે શહેરમાં સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કુલ શરૂ કરવામાં આવી હતી. જોકે આઝાદી પછીના સમયમાં આ શાળાનું સંચાલન અને વહીવટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને ત્યાર પછી ડીસા નગરપાલિકાને સોંપવામાં આવ્યું હતું. જેથી વર્ષોથી પાલીકા જ સંચાલન કરે છે.
અગાઉ એબીપી એ પણ નામ બદલવા આપ્યું હતું આવેદનપત્ર
ત્યારે આ શાળાનું નામ બદલવા માટે અગાઉ એબીવીપી દ્વારા પણ આવેદનપત્ર નગરપાલિકાના પ્રમુખને આપવામાં આવ્યું હતું. અને વહેલી તકે નામ બદલવાની માગણી કરવામાં આવી હતી. ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને પાલિકામાં સામાન્ય સભા મળી હતી. જેમાં સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કુલ ના બદલે હવે મહારાણા પ્રતાપ હાઇસ્કુલ નામ રાખવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને સર્વ સંમતિથી સભ્યોએ મંજૂર કર્યો હતો. જેથી હવે આગામી સમયમાં મહારાણા પ્રતાપ હાઇસ્કૂલની નામકરણ વિધિ પણ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો :માછલીનું સેવન કરતા ચેતજો, મહારાષ્ટ્રના થાણેમાંથી કેન્સરનો રોગ જન્માવતી ૩૦૦૦ કિલો થાઈ માછલીઓ ઝડપાઈ