બનાસકાંઠા : ડીસાનો ઓવરબ્રિજ મોડે મોડે હવે ઝળહળશે
- હાઇવે ઓથોરિટીએ રૂપિયા 7.87 લાખ ભર્યા
પાલનપુર : ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતા 3.75 કિલોમીટર લાંબા એલિવેટેડ ઓવરબ્રિજ ઉપર વીજ થાંભલા તો નાખવામાં આવ્યા હતા. પરંતુ લાઈટો ચાલુ ન હોવાથી અંધારુ રહેતું હતું. જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમાંય જ્યારે તેનો ઉદ્ઘાટન થયું ત્યારે માત્ર એક જ દિવસ લાઈટો ચાલુ કરવામાં આવી હતી. પરંતુ વીજળીના એસ્ટીમેન્ટ ભરવાના મુદ્દે પાલિકા અને હાઇવે ઓથોરિટી વચ્ચે ઘણા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. પરિણામે એક વર્ષથી આ ઓવરબ્રિજ ઉપર અંધકાર પ્રવર્તતો હતો. આ મુદ્દે ડીસા પાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે હાઇવે ઓથોરિટી સમક્ષ પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ જિલ્લાના સાંસદ પરબત પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ પણ આ પ્રશ્નને લઈને રજૂઆત કરી હતી. જેના પગલે હાઈવે ઓથોરિટીએ એલિવેટેડ ઓવરબ્રિજ ઉપરની લાઇટો માટે વીજ કંપનીમાં રૂપિયા 7,87,636 ની રકમ ભરતા આ બ્રિજ ઉપર નાખેલા થાંભલા ઉપર લાઇટો ટૂંક સમયમાં ઝળહળશે.
બ્રિજ નીચે રોડની સમસ્યા યથાવત
ડીસાના એલિવેટેડ ઓવરબ્રિજ નીચે બંને સાઈડના બે રોડ તેમજ ઓવરબ્રિજ વચ્ચેની જગ્યામાં કામગીરીનું કોઈ પ્લાનિંગ હજુ જોવા મળતું નથી. આ બંને રોડ ઉપર ક્યાંક -ક્યાંક મોટા ખાડા પડેલા છે. તેની કામગીરી માટે તંત્રએ ગંભીરતા દાખવીને રોડની કામગીરી માટે પણ યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેમ શહેરના પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
આ પણ વાંચો : અનોખી ઉજવણી : પાલનપુરના વાસણ ગામે પુરૂષો ચણિયા પહેરી ગરબે ઘૂમ્યા