બનાસકાંઠા: ડીસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા
- 6 ઓગસ્ટે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે
પાલનપુર : ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં એક સભ્યના રાજીનામાના કારણે ખાલી પડેલી જગ્યા પર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે શુક્રવારે સાંજે 5:00 વાગે પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારોએ મતદારોને ડોર ટુ ડોર મળવાનું ચાલુ કર્યું છે.
ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9માં એક બેઠકની પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કાંતિલાલ લોધા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇમરાન કુરેશી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જીગ્નેશ દેસાઈ મેદાનમાં છે. છેલ્લા કેટલાય દિવસોથી ભાજપ કોંગ્રેસના અને આમ આદમીપાર્ટીના નેતાઓએ વિસ્તારોમાં પોતાના ઉમેદવારોને જીતવા એડીચોટીનું જોર લગાવી પ્રચાર કર્યો હતો. જ્યારે શુક્રવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દીને આમ આદમી પાર્ટીએ પણ વોર્ડમાં રેલી યોજી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવારે પણ અલગ અલગ વિસ્તારોમાં સમર્થકો સાથે પ્રચાર કર્યો હતો. જ્યારે સાંજે 5:00 વાગે પ્રચાર પડઘમ શાંત થયા બાદ હવે ત્રણેય ઉમેદવારોએ મતદારોને ગુપ્ત રાહે મળી રિઝવવાનું ચાલુ કર્યું છે. તારીખ 6 ઓગસ્ટના રોજ કુલ પાંચ મતદાન બુથ પર ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : રેહાનને રાહત, કાનની રસી, હાડકાનો સડો જડમૂળમાંથી દૂર કરી બાળકને પીડામાંથી અપાવી મુક્તિ