ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ધારાસભ્યએ નાયબ કલેક્ટર કચેરી ખાતે વાવાઝોડાના નુકસાન અંગે સમીક્ષા યોજી બેઠક

Text To Speech

પાલનપુર : ડીસાના ધારાસભ્ય ઓસ્ટ્રેલિયાથી આવતાની સાથે જ નાયબ કલેક્ટર કચેરી ખાતે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં યુજીવીસીએલ અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી લોકોને સહાય અપાવવા માટે સૂચના આપી હતી.

 

ડીસામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નાયબ કલેક્ટર નેહા પંચાલ,શહેર મામલતદાર એસ. ડી. બોડાણા, ગ્રામ્ય મામલતદાર ડો. કિસનદાન ગઢવી અને તાલુકા પંચાયત અને યુજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ તમામ અધિકારીઓ પાસેથી વાવાઝોડા અને વરસાદથી થયેલ નુકસાનીની વિગતો મેળવી હતી. જ્યારે યોજીવીસીએલને અધિકારીઓને તમામ ગ્રામીણ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ક્ષતિગ્રસ્ત થયેલા વિજ થાંભલાઓ ઊભા કરી લાઈનો ખેંચી વીજ પુરવઠો શરૂ કરવા માટે જણાવ્યું હતું.

જ્યારે મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓને પણ નુકસાનગ્રસ્ત વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવી સહાયના દાયરામાં આવતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. તેમજ નુકસાન માટેના સર્વેની કામગીરી માટે પણ સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના આપી હતી આ સિવાય નુકસાનીના સર્વેમાં માનવતાના ધોરણે કામ કરવા માટે અને વધુમાં વધુ અસરગ્રસ્ત લોકોને સહાય મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આજે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ યુજીવીસીએલની કામગીરીનો રિવ્યુ કરવામાં આવ્યો છે, કેટલા ખેડૂતો હજુ વીજ કનેક્શન ચાલુ કરવાના બાકી છે તેની માહિતી મેળવી હતી.સાથે સાથે નુકસાન ગ્રસ્ત વિસ્તારનો તાત્કાલિક સર્વે થાય અને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતો એક જ જગ્યાએથી માહિતી કે સહાય માટેના ડોક્યુમેન્ટની વિગતો આપ લે કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું, જેથી કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી મળી રહે. અને જ્યારે સરકાર સહાય આપવાની જાહેરાત કરે ત્યારે નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે જણાવ્યું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠા: વિશ્વ સાયકલ દિવસ : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાઇ સાયકલ રેલી

Back to top button