બનાસકાંઠા:ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાયું
પાલનપુર: ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો ઉનાળુ મગફળી ભરાવવા માટે આવી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધી ડીસા માર્કેટયાર્ડમાં 4 લાખ મગફળીની બોરીની આવક થઈ છે. હાલમાં ખેડૂતોને મગફળીમાં પ્રતિ મણે 1700 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું. મગફળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતોને અનેક કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સારું એવું મગફળીમાં ખેડૂતોને ઉત્પાદન મળ્યું છે. ત્યારે ડીસા તાલુકામાં પણ ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ડીસા તાલુકામાં સૌથી વધુ મગફળીનું ખેડૂતોએ વાવેતર સારા ભાવની આશાએ કર્યું હતું, પરંતુ જે પ્રમાણે સતત કમોસમી વરસાદ પડ્યો હતો તેના કારણે મગફળીના પાકને લઈ ખેડૂતો ચિંતાતુર થયા હતા, પરંતુ હાલમાં વરસાદ બંધ થતા ખેડૂતો મગફળી નીકળવાની શરૂઆત કરી દીધી છે અને મોટાભાગના તમામ ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી મગફળી નીકાળી દીધી છે. જેને લઇ હવે પોતાનો ભીનો અને સૂકો મગફળીનો પાક લઈને ખેડૂતો માર્કેટયાર્ડ તરફ વળ્યા છે. હાલમાં ખેડૂતો ડીસા માર્કેટ યાર્ડમાં પોતાની મગફળીનો માલ લાવતા હાલ માર્કેટયાર્ડ મગફળીના પાકથી ઉભરાઈ રહ્યું છે.
ગત વર્ષની સરખામણીમાં પ્રતિમણે 500 રૂપિયાનો ઉછાળો આવતા ખેડૂતોમાં ખુશીની લહેર
અત્યાર સુધી ડીસા માર્કેટયાર્ડમાં ચાર લાખ બોરીની આવક મગફળીની નોંધાઈ છે. શરૂઆતમાં ખેડૂતોને 1400 રૂપિયા જેટલો મગફળીમાં ભાવ મળતો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને અત્યારે ખેડૂતોને મગફળીમાં 1700 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ગત વર્ષે જે ખેડૂતોને માત્ર 1300થી 1400 રૂપિયા જેટલો ભાવ મગફળીમાં મળ્યો હતો તે ખેડૂતોને આ વર્ષે 1700 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ જે પ્રમાણે સતત ડીસા તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો તેના કારણે ક્યાંકને ક્યાંક મગફળી ભીની થવાના કારણે ખેડૂતોને થોડું ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે.
આ અંગે ખેડૂત અગ્રણી મહાવીર વાઘેલા અને માર્કેટયાર્ડ સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું કે, આ વર્ષે વાવાઝોડાના કારણે ખેડૂતોને થોડું ઘણું નુકસાન થયું છે, પરંતુ એકંદરે મગફળીનું ઉત્પાદન ખૂબ જ સારું થયું છે અને અત્યારે માર્કેટયાર્ડમાં ભાવ પણ ખૂબ જ સારા મળી રહ્યા છે. ગત વર્ષે ખેડૂતોને એવરેજ ભાવ 1300થી 1400 રૂપિયા પ્રતિ મણે મળતા હતા. તે આ વખતે 1700 રૂપિયા જેટલા મળે છે. જેથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે.
આ પણ વાંચો :અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે, ડીલર વર્તુળોમાં જોરદાર ચર્ચા જામી