ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પાસે રૂ. 23 લાખના ખર્ચે આકાર લઈ રહ્યું છે ‘ વન કવચ ‘

Text To Speech
  • 10 હજાર છોડનું જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરાયું
  • તાલુકા નું એકમાત્ર પિકનિક પોઇન્ટ બન્યું

પાલનપુર 06 ફેબ્રુઆરી : વૃક્ષો વિનાનું જીવન શક્ય નથી વૃક્ષો માનવીને પ્રાણવાયુ પૂરો પાડે છે, ત્યારે ડીસા તાલુકાના મહાદેવીયા ગામ નજીક અને શ્રી સોનેશ્વર મહાદેવના સાનિધ્યમાં ‘ વન કવચ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના પ્રયાસો થી ‘ વન કવચ ‘માટે રૂ. 23 લાખના ખર્ચે આ ઓક્સિજન પાર્ક કહી શકાય તેવું ‘ વન કવચ ‘ પર્યટન માટેનું આકર્ષક કેન્દ્ર બની રહેશે.

બનાસ નદીના કિનારે આવેલા શ્રી સોનેશ્વર મહાદેવના દર્શન માટે બાળપણમાં અનેક છાત્રો શાળાઓમાંથી પ્રવાસ ગોઠવાય ત્યારે જતા, અને આ વિસ્તારમાં ભોજન કરતા. આ એવી જગ્યા હતી જે એક સમયે વેરાન જેવી હતી, પરંતુ મંદિર ટ્રસ્ટની આ જગ્યાનો વિકાસ થાય તે હેતુથી અને ધારાસભ્યના પ્રયાસ થકી ફોરેસ્ટ વિભાગે ખૂબ ટૂંકા સમયમાં ‘ વન કવચ ‘ તૈયાર કરતા છાત્રોને બાળપણ ના દિવસો યાદ આવ્યાં વગર રહેશે નહીં…!.


આજે આ જગ્યાએ હરિયાળી લહેરાઈ રહી છે. જ્યાં પ્રકૃતિના સમીપથી દર્શન થકી તમને શાંતિની અનુભૂતિ થયા વગર રહેશે નહિ. વન વિભાગ દ્વારા અહીંયા અનેક પ્રકારના છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સરગવો, શિશુ, પીપળો, પારિજાત, જામફળ, શેતૂર, જાંબુ, બોર અને કેરી જેવા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે.

જેમાં ફળના ઝાડનું વાવેતર થતાં પક્ષીઓનો મધુર કલરવ પણ અહીંયા મુલાકાત લેનારા પ્રવાસીઓના કાનમાં ગુંજશે. એટલું જ નહીં સેલ્ફી ઝોન, વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓને પણ વિકસાવવામાં આવી છે. આ ‘ વન કવચ ‘ નિર્માણ ડીસા વિસ્તારમાં સૌ લોકો માટે એક નવું જ નજરાણું બની રહેશે.

આ પણ વાંચો : લસણના ભાવ પ્રતિ કિલો 500ને પાર, ધરખમ વધારાનું શું છે કારણ?

Back to top button