બનાસકાંઠા : 1998માં સ્વ. ગોરધનજી માળીએ ગોવાભાઇ રબારીને હરાવ્યા, તો 2022 માં પ્રવીણ માળીએ સંજય રબારી ને હરાવ્યા


- ગોરધનજીને 10,000 મતની લીડ મળી હતી, પુત્ર પ્રવીણ એ 42000 મતની લીડ મેળવી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીના પરિણામો પણ અજબ- ગજબ સર્જે છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ડીસા બેઠક ઉપરથી ચૂંટણી જીતીને વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના પિતા સ્વર્ગસ્થ ગોરધનજી માળી પણ આ બેઠક પરથી 10,000 મતની લીડ મેળવી કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઇ હમીરાભાઈ દેસાઈને હરાવીને વિજેતા બન્યા હતા. સમય બદલાયો અને બરાબર 24 વર્ષે આ જ બેઠક ઉપર બંને ધારાસભ્યના પુત્ર આમને -સામને ચૂંટણીના જંગમાં આવ્યા હતા. લગભગ અઢી દાયકાના સમયમાં ડીસા ઘણું બદલાઈ ગયું છે.

ચૂંટણી પ્રક્રિયા પણ બદલાઈ ગઈ, બેલેટ પેપર ના બદલે હવે ઈવીએમ આવી ગયા. એજ્યુકેટેડ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે. ત્યારે વર્ષ 1998 ની વિધાનસભાની ચૂંટણીમાં સ્વર્ગસ્થ ગોરધનજી ગીગાજી માળીને 51,352 મત મળ્યા હતા.

જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઇ હમીરાભાઈ રબારીને 40,891 મત મળ્યા હતા. જેમાં સ્વ. ગોરધનજી માળી 10451 મતની લીડથી વિજેતા બન્યા હતા. ત્યારે પણ આ જ પ્રકારનો માહોલ સર્જાયો હતો.

હવે જ્યારે 2022 ની ચૂંટણીમાં સ્વ. ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીએ ભાજપમાંથી ચૂંટણી લડીને 98006 મત મેળવ્યા હતા. જ્યારે ગોવાભાઇ રબારીના પુત્ર સંજય રબારીએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને 55,359 મત મેળવ્યા હતા.
આમ પ્રવીણ માળીને 42,647 મતની જંગી લીડ મળી હતી. પરંતુ જોગાનું જોગ કહો કે, બંને ધારાસભ્યના પુત્ર 24 વર્ષે ચૂંટણીમાં આમને- સામને આવ્યા હતા. જેમાં અગાઉ ગોવાભાઇ રબારીનો પણ પરાજય થયો હતો અને 2022 ની ચૂંટણીમાં સંજય રબારીનો પણ પરાજય થવા પામ્યો છે.
આ પણ વાંચો : ડીસામાં નવનિર્વાચિત ધારાસભ્ય પ્રવીણ માળીનું કરાયું વિષેશ સન્માન