બનાસકાંઠા : અંબાજી આવેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મા અંબાના દર્શન કર્યા
- ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક પણ સાથે જોડાયા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આવેલું જગતજનની મા અંબાનું ધામ દેશ- વિદેશમાં વિખ્યાત છે. ત્યારે કરોડો લોકોના આસ્થાના કેન્દ્ર માતાજીના ધામે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો મા ના દર્શનાર્થે આવી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નેતા, અભિનેતા અને વીઆઈપી જગત જનની મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. ત્યારે આજે (રવિવારે) બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હેલિકોપ્ટર દ્વારા અંબાજી ખાતે આવ્યાં હતા અને શીશ ઝુકાવીને માં ના આશીર્વાદ લીધા હતા.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવારના રોજ બાગેશ્વર ધામ સરકારના પીઠાધિશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી જગતજનની મા અંબાના ધામે દર્શન માટે આવ્યા હતા. પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી હેલિકોપ્ટરમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે હેલીપેડ પર ઉતર્યા હતા. અને ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચ્યા હતા. જ્યાં નિજ મંદિરમાં વિશેષ પૂજા – અર્ચના કરી જગતજનની મા અંબાના મંદિરમાં માતાજીના દર્શન કરી શીશ ઝુકાવીને મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ માં અંબાને ધજા પણ ચડાવી હતી. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી મંદિરમાં પહોંચ્યા ત્યારે લોકો મોટી સંખ્યામાં ભક્તો પણ આવી પહોંચ્યા હતા. તેમની સાથે સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. જ્યારે દર્શન સમયે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક પણ સાથે રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરને ભારત દેશનું સૌપ્રથમ ઇવી સ્માર્ટ સિટી બનાવાશે