બનાસકાંઠા: ડીસાના સમૌ નાના ગામની દૂધ મંડળી તબાહ


પાલનપુર: ડીસામાં સૌથી વધુ વાવાઝોડાએ સમૌ નાના ગામમાં તબાહી સર્જી છે. 50 થી વધુ ઘરની દીવાલ અને છત ધરાશાયી થયા છે. જ્યારે પશુપાલકોની જીવા દોરી દૂધ ડેરી મંડળી નેસ્ત નાબૂદ થતાં ગામમાં અંદાજિત 10 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે.
વાવાઝોડાના કારણે દૂધ મંડળી ને કરોડ રૂપિયાનું નુકસાન
બિપરજોય વાવાઝોડાએ ડીસા પંથકમાં પણ ખૂબ જ વિનાશ વેર્યો છે. જેનો ભોગ સમૌનાના ગામ પણ બન્યું છે. આ ગામમાં વાવાઝોડાના કારણે 50 થી પણ વધુ ઘરની છત કાગળના પત્તા ની જેમ ઉડી ગઈ હતી. જ્યારે અનેક ઘરોની દિવાલ ધરાશાયી થઈ છે. ગામમાં 10 થી વીજપોલ જમીનમાંથી ઉખડી જતા ગામમાં અંધારપટ છવાયો છે. આ ગામમાં આવેલી એકમાત્ર શાળાના પણ પતરા ઉડી ગયા છે જ્યારે શાળાની અંદર છ થી વધુ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થતા અનેક પક્ષીઓના પણ મોત થયા છે. સમૌનાના ગામમાં જાણે કુદરતના પ્રકોપનો ભોગ બન્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
અહીં પશુપાલકો માટે એકમાત્ર સમૌનાના-રામપુરા દૂધ ડેરી મંડળી આવી હતી. જ્યાં ગામના તમામ પશુપાલકો દૂધ ભરાવી આજીવિકા મેળવતા હતા, પરંતુ વાવાઝોડા અને ભારે વરસાદના કારણે આખી દૂધ મંડળી જ ધરાશયી થતા નેસ્તનાબૂદ થઈ ગઈ છે, અને દૂધ ડેરી મંડળી પડી ભાગતા જાણે ભંગારનું ગોડાઉન હોય તેવું દેખાય રહ્યું છે.
ગામના સરપંચ બળવંતસિંહ જાદવ અને દુધડેરીના મંત્રી નરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બે દિવસથી ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે ગામમાં અનેક જગ્યાએ નુકસાન થયું છે. કેટલાય ઘરના પતરા અને દિવાલો હવામાં ઉડી ને ધરાશાયી થયા છે, ગામમાં પશુપાલકો ભરાવા જતા હતા તે દૂધ ડેરી પણ આખે આખી જમીન દોસ્ત થઈ ગઈ છે અને ગામમાં અંદાજિત 50 થી પણ વધુ ઘરના લોકોની હાલત કફોડી બની છે. જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત લોકોને સહાય કરે તેવી ગ્રામજનોની માંગ છે.
આ પણ વાંચો :મળો પાકિસ્તાનની પહેલી ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકરને, જાણો Marvia Malikની સંઘર્ષભરી કહાની