બનાસકાંઠા: ડીસાના બ્રાહ્મણ વાસમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ
- પાલિકામાં આવેનદપત્ર આપી રજુઆત કરી
પાલનપુર :ડીસામાં વાડીરોડ પાસે બ્રાહ્મણવાસ વિસ્તારમાં અધૂરી ભૂગર્ભ ગટરના કારણે ગંદુ પાણી ઉભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી કંટાળેલા સ્થાનિક લોકોએ નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપી તાત્કાલિક તેમની સમસ્યા હલ કરવાની માંગ કરી હતી.
ડીસા શહેરમાં હજુ પણ ભૂગર્ભ ગટરનું કામ 100 ટકા પૂર્ણ થયું નથી અને અધૂરી કામગીરીના કારણે અનેક વિસ્તારોમાં લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ડીસામાં વાડીરોડ વિસ્તાર પાસે આવેલ બ્રાહ્મણવાસ વિસ્તારમાં પણ અધૂરી ભૂગર્ભ ગટર બનાવેલ છે. જેના કારણે આગળથી આવતું ગંદુ પાણી આ બ્રાહ્મણવાસ વિસ્તારમાં ભરાઈને ઉભરાતા સ્થાનિક લોકો દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે. વળી આ ગંદુ પાણી ઉભરાઈને વીજ ડીપી પાસે ભરાઈ રહેતા અવારનવાર વીજ કરંટની ઘટનાઓ પણ બને છે.
અત્યાર સુધી ત્રણ થી ચાર જેટલા પશુઓ આ વિજડીપી પાસે ભરાયેલ પાણીમાં કરંટ લાગતા મોત થયા છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે આજે (શુક્રવારે) સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને તેમની સમસ્યા તાત્કાલિક હલ કરવા ની માંગ કરી હતી. આ મામલે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવાનું કામ બે દિવસમાં જ શરૂ થઈ જશે એટલે લોકોની સમસ્યાનો હલ આવી જશે.
આ પણ વાંચો : બનાસકાંઠા: પાંથાવાડા પાસે પાઇપ લાઈનમાં ભંગાણ, ડીસા તાલુકાના 12 ગામોમાં પાણીની સર્જાઈ તંગી