બનાસકાંઠા : ડીસાથી વાસણાની બસ સંતોષી ગોળીયા સુધી લંબાવવા માંગ
- નાયબ કલેક્ટરને કરાઈ રજુઆત
- ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર
પાલનપુર : ડીસાથી વાસણા સુધી ચાલતી બસનો રૂટ લંબાવી સંતોષી ગોળીયા સુધી કરવામાં આવે તેવી માગ સાથે આજે ગ્રામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ અન્ય આવતી બસમાં ખીચોખીચ મુસાફરો ભરતાનો ગ્રામજનોએ વિડીયો ઉતારીને પણ નાયક કલેક્ટરને બતાવ્યો હતો.
ડીસા તાલુકાના ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં આજે પણ બસની પૂરતી સુવિધા મળતી નથી. જેમાંનું એક ગામ સંતોષી ગોળીયા છે. અહીં એક જ બસ આવે છે અને તે પણ લાંબા રૂટથી આવતી હોવાથી ખીચોખીચ મુસાફરો ભરીને આવે છે. બસની કેપેસિટી કરતા ડબલ અને ત્રણગણા મુસાફરો બસમાં ભરેલા હોવાથી સંતોષી ગોળીયા ગામના વિદ્યાર્થીઓ કે ગ્રામજનોને અવરજવર કરવી હોય તો ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને ન છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. ત્યારે ડીસાથી વાસણ સુધી આવતી બસનો રૂટ લંબાવી સંતોષી ગોળીયા સુધી કરવામાં આવે તેવી માંગ સાથે આજે ગ્રામજનોએ ડીસાના નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપ્યું હતું.
ગામ લોકોએ જણાવ્યું હતું કે, અત્યારે સંતોષી ગોળીયા સુધી માત્ર એક જ બસ આવે છે અને તે પણ લાંબા રૂટમાંથી આવતી હોવાથી તેમાં ખીચોખીચ મુસાફરો ભરેલા હોય છે. જેથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુસાફરી કરી શકતા નથી અને નછૂટકે ખાનગી વાહનોમાં વધુ ભાડા ચૂકવી જોખમી મુસાફરી કરવી પડે છે. ત્યારે ડીસાથી વાસણ સુધી આવતી બસનો રૂટ લંબાવી સંતોષી ગોળીયા સુધી કરવામાં આવે તો ગ્રામજનોની મુશ્કેલી હલ થઈ શકે તેમ છે. કારણકે આ બસ ડીસાથી સીધી આવતી હોવાથી તેમાં મુસાફરો ઓછા હોય છે. જેથી સંતોષી ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આસાનીથી મુસાફરી કરી શકે.
આ પણ વાંચો : બનાસકાંઠા : દાંતીવાડાના માળીવાસથી સોજત પગપાળા સંઘ રવાના