બનાસકાંઠા: અનુસૂચિત જાતિના લોકોને ગામડાઓમાં સ્મશાન માટે જમીન આપવા માંગ
પાલનપુર: રાજ્યભરમાં ગામડાઓમાં અનુસૂચિત જાતિના લોકો ને સ્મશાન માટે જમીન નીમ કરવાની તેમજ સ્મશાનમાં સુવિધા ઉભી કરી આપવાની માંગ સાથે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર અપાયુ
વર્ષ 2020 માં દસાડાના તત્કાલીન ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રાજ્ય સરકારને પત્ર લખી રાજ્યના તમામ ગામોમાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની જમીન નીમ કરવા તેમજ સ્મશાનમાં આધુનિક સુવિધાઓ ઉભી કરી આપવાની માંગ કરી હતી. જે અનુસંધાને મહેસુલ વિભાગે આ બાબતે પત્ર લખી તમામ કલેકટરોને આ સંદર્ભે કાર્યવાહી કરવા જાણ કરી હતી. જોકે ત્યારબાદ પણ હજુ સુધી અનેક ગામોમાં સ્મશાનની જગ્યા ન હોવાથી દલિત સમાજના લોકોને અંતિમ વિધિ કરવા તકલીફ પડતી હોઇ સ્મશાન માટે જમીન નીમ કરવાની માંગ કરવામાં આવી છે.
આ અંગે ડીસા નાયબ કલેકટરને દલિત અધિકાર મંચ ના નેજા હેઠળ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામડાઓમાં અનેક ગામોમાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની જગ્યા નથી તેવા ગામોમાં સ્મશાનની જગ્યા તાત્કાલિક નિમ કરવી તેમજ સ્મશાનમાં આધુનિક વિકાસ કાર્યો કરી સુવિધાઓ ઉભી કરી આપવી. અગાઉ આ અંગે સરકારે કલેક્ટરોને તેમજ કલેકટરોએ નાયબ કલેક્ટરો મામલતદારોને આ સંદર્ભે કાર્યવાહી કરવા સૂચના આપી હોવા છતાં હજુ સુધી જમીનો નીમ કરાઈ નથી તેથી અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાની લાગણી સમાજ અનુભવે છે.જેથી આ સંદર્ભે ઝડપથી કાર્યવાહી કરવા માંગ છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર અનુષ્કાની તસવીરે લગાવી આગ, તસવીરો જોઈ તમે પણ કહેશો વાહ…