બનાસકાંઠા: ડીસાના વાસણા-ગોળીયા ગામના તળાવમાં હજારો માછલીઓના મોત


પાલનપુર: બનાસકાંઠાના ડીસા પાસે આવેલ વાસણા-ગોળીયા ગામે તળાવમાં અચાનક હજારો માછલીઓના મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગામના સરપંચ સહિત આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને માછલીઓના મોત અંગે તટસ્થ તપાસ કરાવવાની માંગ કરી છે. ડીસા તાલુકા ના વાસણા-ગોળીયા ગામે આજે તળાવમાં એક પછી એક એમ હજારો માછલીઓનું મોત થયું છે.
કોઈએ તળાવમાં ઝેરી પ્રવાહી નાખ્યું જોવાની આશંકા
અચાનક એક સાથે હજારો માછલીના મોત થયુ હોવાના સમાચાર મળતા જ ગામના સરપંચ સહિત આજુબાજુના લોકો તળાવ પર દોડી આવ્યા હતા જ્યાં તળાવમાં હજારો મૃત્યુ પામેલ માછલીઓ તરતી હાલતમાં જોવા મળી હતી અચાનક માછલીના મોત થતાં લોકો અરેરાટી વ્યાપી હતી.
આ ઘટના સંદર્ભે ગામના સરપંચ રતાજી ઠાકોર, વક્તાજી માળી અને નેમાજી માળીએ જણાવ્યું હતું કે આજે ગામમાં તળાવમાં માછલીઓના મોત થયુ હોવાના સમાચાર મળતા જ અમે બધા તળાવ પર પહોંચ્યા હતા ત્યાં જોતા હજારો માછલીઓ નું મોત થયું હતું. કોઈએ તળાવમાં ઝેરી પ્રવાહી નાખી દીધું હોય તેવી અમને પુરી શંકા છે માટે અમે સ્થાનિક મામલતદાર અને અન્ય વિભાગમાં પણ જાણ કરી છે. ગ્રામજનોની માંગણી છે કે આ માછલીના મોત અંગે તટસ્થ તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો :અમદાવાદમાં નહેરુબ્રિજ પાસે રૂ.50 લાખની થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો