બનાસકાંઠા: નાયબ મુખ્ય દંડક માં અંબાના દર્શને
પાલનપુર: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આજે બપોરે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.
શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. વર્ષ દરમિયાન માઈભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
જગદીશભાઈ મકવાણાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા
અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા નાયબ મુખ્ય દંડકનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતિષભાઈ ગઢવીએ માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. નાયબ મુખ્ય દંડકએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પણ વાંચો : દૂષિત પાણીમાં નાહવાનું ટાળજો, નહીંતર થઈ શકે છે આ ભયાનક બિમારી