બનાસકાંઠા : દારૂ પીને ખુરશીમાં ડોલતા દાંતાનો શિક્ષક કરાયો સસ્પેન્ડ
- બે દિવસ પહેલા દારૂ પીધેલો શિક્ષકનો વિડીયો વાયરલ થયો હતો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જોધસર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકનો દારૂ પીધેલી હાલતમાં અને ખુરશીમાં બેઠા બેઠા ડોલતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા જ શિક્ષક આલમમાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે શાળાના શિક્ષકે દારૂ પીધા બાદ શિક્ષણ કાર્યને બાજુમાં મૂકી દેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારીએ કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યો છે.
બનાસકાંઠામાં ભારે ચર્ચાસ્પદ બનેલી ઘટનાની વિગત એવી છે કે, દાંતા તાલુકાના જોધસર પ્રાથમિક શાળામાં શિક્ષક પોતે દારૂના નશામાં હોવાનો અને ખુરશી પર બેઠા બેઠા ડોલી રહ્યા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. આ શિક્ષકે શિક્ષણ કાર્યને બાજુમાં મૂકી દીધું હતું અને બાળકોના અભ્યાસની કોઈ ચિંતા કરી ન હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઓફિસે શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તપાસમાં શિક્ષક બુંબડીયા જોવાનાભાઈ ભુરાભાઈ હતા. જે અંગેનો રિપોર્ટ તાલુકા શિક્ષણ અધિકારીએ ગામના લોકોના નિવેદન લઈ અને સમગ્ર તપાસનો અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને મોકલી આપ્યો હતો.
આ અહેવાલ મળતા જ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષક જોવાનાભાઈ બુંબડીયા સામે કેફી પદાર્થનું સેવન કરી નૈતિક અધઃપતનનો ગુનો આચર્યા, તેમજ સેવા, શિસ્ત અને અપીલ ના નિયમ 1997 ના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. અને શિક્ષકને ફરજ મોકુફીનો આદેશ કર્યો હતો. તેમજ મુખ્ય શિક્ષક બુંબડીયા જોવનાભાઈનું હેડક્વાર્ટર ડાભી પ્રાથમિક શાળા તાલુકો સુઇગામ ખાતે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે તેમને હેડકવાટર છોડતા પહેલા સંબંધિત અધિકારીઓની પૂર્વ મંજૂરી મેળવવાનું પણ આદેશ માં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ડીસા તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા