બનાસકાંઠા: “બિપરજોય” વાવાઝોડાને લીધે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
પાલનપુર: “બિપરજોય” વાવાઝોડાને લીધે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જેને લઇને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં કામગીરી કરી રહ્યું છે. ગઇકાલ રાતથી જિલ્લામાં વાવાઝોડાની સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. આ વાવાઝોડાના લીધે જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા છે.
વાવાઝોડાને લીધે જિલ્લામાં કુલ- 191 વીજપોલ ધરાશયી, જિલ્લામાં 31 ગામોમાં વીજળી ડૂલ
બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, પાલનપુરથી મળેલા આંકડાઓ અનુંસાર વાવાઝોડાને લીધે જિલ્લામાં કુલ- 191 વીજપોલ ધરાશયી થયા છે. જેમાં સૌથી વધુ 46 જેટલાં વીજપોલ પડવાની ઘટના ધાનેરા તાલુકામાં નોંધાઇ છે.
25 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો
જેના લીધે જિલ્લા લગભગ 31 જેટલાં ગામોમાં વીજળી ડૂલ થઇ હતી. પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની અથાક મહેનત અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પરિશ્રમ કરીને 25 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
જ્યારે ધાનેરા તાલુકાના નાનુડા, સૂઇગામના મોરવાડા, લાખણીના અંબિકા, થરાદના ભોરોલ અને વાવ તાલુકાના ધરણીધર તથા માવસરી ફિડરમાં સમાવિષ્ટ અનુક્રમે વીંછીવાડી, ડાભી, લીંબોઇ, મહાદેવપુરા, ચુવા, ગંભીરપુરા અને લાપડીયા આ 7 ગામોમાં વીજ પુરવઠો ચાલુ કરવા વીજ કર્મીઓ વરસાદની પરિસ્થિતિની પરવા કર્યા વિના પૂરજોશમાં કામગીરી કરી રહ્યા છે. જિલ્લામાં 45 જેટલાં વૃક્ષો પડ્યા છે. જેમાંથી રોડ સાઇડ પર પડેલા વૃક્ષોને કટીંગ કરી દૂર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. 240 જેટલાં કાચા મકાનો અને શેડ પરથી પતરા ઉડ્યા છે. જેમાં સૌથી વધુ ભાભર તાલુકામાં પતરા ઉડ્યા છે. ડીસા તાલુકાના વરનોડા ગામે વૃક્ષ પડવાથી એક પશુનું મૃત્યું થયું છે.
છાપીમાં દીવાલ ધરાશયી થતા વૃદ્ધાનું મોત
ગઇકાલે તા.15 જૂનના રોજ વડગામ તાલુકાના છાપી ગામમાં લીમડાના વૃક્ષ નીચે બેઠેલાં 85 વર્ષીય માજી લાડુબેન મોહનજી ભીલ, બાજુમાં આવેલ દીવાલ ધરાશયી થતાં પગે ઇજાગ્રસ્ત થયા હતા તેમને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું આજે તા. 16 જૂન-2023ના રોજ વહેલી સવારે અવસાન થયું છે.
શેલ્ટર હોમમાં કરાઈ ભોજનની વ્યવસ્થા
વાવાઝોડા અને ભારે વરસાદના લીધે કાચા મકાનોમાં રહેતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની સુચના પ્રમાણે સમગ્ર જિલ્લામાં શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
જિલ્લામાં કુલ-2419 લોકોનું સ્થળાંતર
જેમાં ગઇકાલ સુધીમાં કુલ-2419 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમના માટે શેલ્ટર હોમમાં રહેવાની સાથે ભોજન, પાણી, ગાદલાં, શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા લોકોને ભોજનની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધાનેરા, વાવ, થરાદ અને સૂઇગામ એમ ચાર તાલુકામાં ૫- ૫ હજાર ફૂડ પેકેટ લેખે કુલ- ૨૦,૦૦૦ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
આ પણ વાંચો :જય જગન્નાથના નારા સાથે ગુંજશે શહેરઃ જાણો રથયાત્રાનો રૂટ