‘બિપરજોય’ વાવાઝોડાએ ધાનેરા તાલુકામાં ભારે ખાના ખરાબી કરી,તસવીરો આપી રહી છે ચિતાર
- ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી વળતરની માગ કરી
પંકજ સોનેજી/પાલનપુર : ‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાતમાં નુકસાન કરીને રાજસ્થાન તરફ જતું રહ્યું હતું, પરંતુ છેલ્લે છેલ્લે તેણે બનાસકાંઠામાં જાણે જોરદાર પૂછડું પછાડ્યું હોય તેમ થરાદ, વાવ અને વિશેષ કરીને ધાનેરા તાલુકામાં પારાવાર નુકસાની વેરી છે.
અહીંના વિસ્તારોમાં અતિ ભારે પવન અને વરસાદના કારણે ગામડામાં દબાહી મચી ગઈ હતી. ખેડૂતોના માલ – મિલકત અને પશુઓને ભારે નુકસાન થયું છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
ત્યારે આજે એક સપ્તાહ પછી હવે વિખૂટા પડેલા ગામનો સંપર્ક થયો છે. ખેડૂતોના પાક અને પશુધનને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ ખેતરોમાં કાપીને મુકેલા મહામૂલા પાક વરસાદના પુરમાં તણાઈ ગયા છે.
હજારો હેક્ટર ખેતરોની જમીનનું ધોવાણ થયું છે. આમ ખેડૂતોની સ્થિતિ અત્યંત દારુણ બની ગઈ છે. જેને લઈને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ‘બિપરજોય’ વાવાઝોડા થી ખેડૂતોને જે પારાવાર નુકસાન થયું છે.
તેમાં સરકારે ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં તાત્કાલિક સર્વે કરાવીને સહાય આપવી જોઈએ તેવી માગણી કરી છે.
લોકોની માલ -મિલકત પુરમાં તણાઈ ગઈ
ધાનેરા પંથકમાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીંના ખેતરો ધોવાઈ ગયા છે. ખેડૂતોના ટ્રેક્ટરે જાણે સમાધિ લીધી હોય તેમ આખું ટ્રેક્ટર જમીનમાં દટાયું છે.
સોલર પ્લાન્ટ ની પેનલોનો ખુડદો બોલી ગયો છે. તો ખેડૂતોના ઘરમાંથી લોખંડના કબાટ પણ પૂરમાં તણાઈ ગયા છે, અને પાકા ડામરના માર્ગોના નામો નિશાન મટી ગયા છે. ખેડૂતોના ઘરની છત તો માથા ઉપર રહી જ નથી. મકાનોની દિવાલ તૂટીને ખુલ્લા પ્લોટ બની ગયા છે.
તો ખેતરમાં પાથરેલી ડ્રીપ ઈરીગેશનની પાઈપો કિલોમીટર સુધી તણાઈ ગઈ છે. પશુઓના મોત પણ અસંખ્ય થયા છે. ધાનેરા પંથક વારંવાર પૂરની ઝપટમાં આવી રહ્યો છે.
રાજસ્થાનથી આવતા પાણીનો માર પણ આ તાલુકાને અનેકવાર ઝીલવો પડે છે. ત્યારે સરકારે આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને વહેલી તકે વળતર મળે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: માં અંબાના ચાચર ચોકમાં યોગસાધકો યોગમાં બન્યા તલ્લીન