બનાસકાંઠા : દાંતા તાલુકામાં પાણીનો પોકાર, અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે કિલોમીટર સુધી રઝળપાટ
પાલનપુર : બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટેના દાવા પોકળ સાબિત થયા છે. દાંતા તાલુકાના અનેક ગામડાઓમાં નલ સે જલ યોજના હજુ પહોંચી નથી. તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. યોજનાઓને લઈને ઘણી જગ્યાએ ટાંકા બનાવવામાં આવ્યા છે, પાઈપો લગાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી પાણી પહોંચ્યું નથી.
દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે. હેડપંપ પર આદિવાસી મહિલાઓની પાણી ભરવા કતારો હોય છે. દિવસભરની મજૂરી બાદ પીવાના પાણી માટે લાઇનમા ઊભા રહેવું પડે છે. હેડપંપમાં પણ ધીરે ધીરે પાણી આવતા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહી પાણી ભરી રહ્યા છે. જોકે આ વિસ્તારમાં નલ છે જલ યોજનામાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી ના કરાતા લોકોના ઘર સુધી યોજનાનું પાણી પહોંચ્યું નથી. પાણી માટેના ટાંકા બનાવવામાં આવ્યા છે પાઇપો નાખવામાં આવી છે ઘર આગળ નળ લગાવવામાં પણ આવે છે, પરંતુ પાણી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે અનેક ગામડાઓમાં આ નલ સે જલ યોજના માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે.
બનાસકાંઠામાં 14 તાલુકાઓમાં 74 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું કામ કરાયું હોવાની માહિતી મળી રહી છે. દાંતા તાલુકામાં પીપળી વાળી વાવ, કુવારસી, ખેરમાલ, હાથી પગલાં તળેટી સહિત અનેક ગામોમાં નલ સે જલ યોજના અમલમાં છે. પાણીનાં ટાંકા બનાવ્યા છે, નળ નખાયા છે પરંતુ પાણી પહોંચ્યું નથી. અંતરિયાળ વિસ્તારના લોકોની માંગણી છે કે, યોજનાનું પાણી ઘર સુધી પહોંચે. સરકાર યોજનાઓ થકી પાણી માટે પ્રયાસ કરી રહી છે. જોકે આ યોજનાઓ હજુ છેવાડાના ગામો સુધી પહોંચી નથી. આ વિસ્તારોમાં પાણીની સુવિધા ન હોવાને કારણે હેડપંપ પરથી પાણી ભરવું પડે છે. આ યોજના છેલ્લા બે વર્ષથી ચાલુ છે, પરંતુ કામ પૂરું થયું નથી જેથી લોકો પરેશાન છે.