બનાસકાંઠા: ખનીજ માફિયાઓ પર તવાઈ : ડીસામાં ગેરકાયદેસર રેતી ખનન કરતાં 6 ડમ્પર, 1 હિટાચી મશીન સહિત 1.90 કરોડનો મુદામાલ જપ્ત
પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં સોમવારે ખાણ ખનીજ વિભાગે અલગ – અલગ બે જગ્યાએ ટીમો બનાવી રેડ કરી હતી અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 6 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કુલ 1.90 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ સક્રિય થયા છે. જે અંગેની ફરિયાદો મળતા જ સોમવારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર જય પટેલ, સર્વેયર દિગ્વિજયસિંહ અને માઇન સુપરવાઈઝર જે. ડી. પટેલ સહિતના અધિકારીઓની બે અલગ – અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બંને ટીમે ડીસા તાલુકાના નાની આખોલ અને માલગઢ ગામે પહોંચી ઓચિંતા દરોડા પાડ્યા હતા.
જેમાં સાદી માટીની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા છ ડમ્પર અને એક હિટાચી મશીન મળી આવ્યા હતા. રોયલ્ટી ભર્યા વગર સરકારી તિજોરીને નુકસાન કરી રેતીની હેરાફેરી કરતા છ ડમ્પર અને એક હિટાચી મશીન સહિત કુલ 1.90 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગે આ તમામ વાહનો જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યા હતા. જ્યારે ડમ્પર અને હિટાચી મશીનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાંથી ખનીજ વિભાગની ટીમોએ દરોડા પાડી મોટી માત્રામાં ખનીજ કૌભાંડ ઝડપી પાડતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વંચો :પોલીસ ઇન્સ્પેકટરના મૃત્યુ બાદ વ્હારે આવ્યા સાથી મિત્રો, 53 લાખ રૂપિયા જેટલી રકમ એકઠી કરી