બનાસકાંઠા : ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો દુઃખી, વડાપ્રધાનનાની ઉપસ્થિતિમાં જાહેર કરેલી ગૌ પોષણ યોજનાની સહાય ન ચૂકવી
પાલનપુર: રાજ્ય સરકાર ગૌશાળા- પાંજરાપોળ સંચાલકોને ગૌપોષણ યોજના ના રૂ. 500 કરોડ આપવામાં બીજી વખત છેતરી ગઈ હોવાથી ડીસાના પાંજરાપોળ સંચાલકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને PMO ઓનલાઈનના માધ્યમથી ફરિયાદ કરી સરકારે જાહેર કરેલી ગૌ પોષણ યોજનાની રકમ તાત્કાલિક અપાવવા મદદ કરવા જણાવ્યું છે.
વડાપ્રધાનના હસ્તે પ્રતીક રૂપે પાંચ ગૌશાળાઓને ચેક અપાયા હતા
ગુજરાત સરકારે ગત બજેટમાં રાજ્યભરની 1700 જેટલી ગૌશાળાઓમાં આશ્રય લઈ રહેલા આશરે 4,50,000 અબોલ જીવોના નિભાવ માટે રૂપિયા 500 કરોડની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી હતી.જોકે સરકારે સાત મહિના સુધી ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને એક પણ રૂપિયો ન ફાળવતા અનેક રજૂઆતો બાદ ગૌશાળા સંચાલકોએ આંદોલન શરૂ કર્યું હતું અને ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ અંબાજી ખાતે આવવાના હતા. ત્યારે ગૌ સેવકોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ કર્યો હતો.જોકે ગૌ સેવકો વડાપ્રધાનનો વિરોધ કરે તે અગાઉ સરકારે મંત્રીઓ, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને મધ્યસ્થી તરીકે રાખી વડાપ્રધાન અંબાજીથી ગૌપોષણ યોજનાનો પ્રારંભ કરાવશે તેવી જાહેરાત કરી હતી.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌ પોષણ યોજનાની જાહેરાત કરી માત્ર પાંચ ગૌશાળાઓને પ્રતિક રૂપે સહાયના ચેક અર્પણ કર્યા હતા, અને સરકારે કહ્યું હતું કે રાજ્યની તમામ ગૌશાળા પાંજરાપોળોને બે ત્રણ દિવસમાં ગૌપોષણ યોજનાના ચેક મળી જશે.જોકે આ વાતને બાર દિવસ થવા છતાં હજુ સુધી એક પણ ગૌશાળા પાંજરાપોળોને સહાયનો ચેક મળ્યો નથી જેમાં પણ વડાપ્રધાનના હસ્તે આપવામાં આવેલા પ્રતિક ચેક વાળી ગૌશાળાઓને પણ એક પણ રૂપિયો હજુ સુધી મળ્યો નથી.
આ પણ વાંચો : #BreakingNews : આપ નેતા ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ
જ્યારે સરકારે બહાર પાડેલા પરિપત્રમાં ચોક્કસ જમીન અને ચોક્કસ પશુઓની સંખ્યા ધરાવતી ગૌશાળાઓને જ લાભ મળશે તેવી શરતો રાખતા મોટાભાગની ગૌશાળાઓ આ લાભથી વંચિત રહે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
ડીસાના સંચાલકે PMOમાં ઓન લાઈન ફરિયાદ કરી
આમ ગુજરાત સરકારે રાજ્યના ગૌ સેવકો અને ગૌશાળા- પાંજરાપોળ સંચાલકોને મૂર્ખ બનાવ્યા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ અપમાન કર્યું છે. જેથી આ મુદ્દે ડીસાના સંચાલક જગદીશભાઈ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી તાત્કાલિક મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાયના નાણાં રાજ્ય સરકાર પાસેથી અપાવવાની માંગણી કરી છે.