બનાસકાંઠા : ડીસામાં વીફરેલી ગાયે 6 લોકોને શિંગડે ભરાવ્યા
- ગાયે રસ્તે જતા આધેડને પાછળથી ભેટુ મારી રોડ પર પછાડી પગ વડે ખૂંદી નાખ્યા
- સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
પાલનપુર : ડીસામાં રખડતા પશુઓની સમસ્યા હજુ પણ યથાવત છે. જેમાં હરસોલીયા વાસ વિસ્તારમાં એક વીફરેલી ગાયે 6 જેટલા રાહદારીઓને શીંગડે તેવી હુમલો કર્યા હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં રસ્તે જતા આધેડને વીફરેલી ગાયે પાછળથી આવી ભેટુ મારી રોડ પર પછાડ્યો હતો અને પગ વડે ખૂંદી નાખ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડાયા છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ રખડતા પશુઓની સમસ્યા અને ત્રાસ યથાવત જ છે. તેના કારણે રસ્તા પરથી ચાલતા રાહદારીઓ પણ સતત ભયનો અનુભવ કરી રહ્યા છે. ડીસામાં ગઈકાલે એક વીફરેલી રખડતી ગાયે 6 જેટલા લોકોને શીંગડે ભરાવી જીવલેણ હુમલો કરતા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ડીસામાં તેરમીનાળા વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ સિંધી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વીફરેલી ગાયે અચાનક આવી તેમને પાછળથી ભેટુ મારી રોડ પર પડકાવ્યા હતા અને તેમના પર શીંગડા વડે ઉપરા ઉપરી ભેટા મારી ખૂંદી નાખ્યા હતા. વીફરેલી ગાયના હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી અને પાણીનો મારો તેમજ લાકડી વડે હુમલાખોર ગાયની ચુંગલમાંથી ભગવાનભાઈને છોડાવ્યા હતા.
ત્યારબાદ આ વીફરેલી ગાયે અન્ય પાંચ જેટલા લોકોને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોએ જાણ કરતાં ડીસા નગરપાલિકાની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને આ વીફરેલી હુમલાખોર ગાયને દોરડા વડે બાંધીને પાંજરે પૂરી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાંથી વધુ બે બાઈક ચોર ઝડપાયા