બનાસકાંઠા : ગૌ સેવકોનું અલ્ટીમેટમ પૂરું, હવે ગાંધીનગર ઉપવાસ આંદોલન
પાલનપુર : સરકાર દ્વારા ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળને રૂ.500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આજ-દિન સુધી સરકાર દ્વારા એક પણ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોને એક પણ રૂપિયાની સહાય આપવામાં આવી નથી. જેના કારણે હાલના તમામ પશુઓની હાલત કફોડી થવા લાગી છે. અનેકવાર ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે થોડા દિવસ અગાઉ ભાભર ખાતે મળેલ સંમેલન બાદ હજારોની સંખ્યામાં સંતો અને ગૌભક્તોની બેઠક મળી હતી.
જેમાં સરકારને સાત દિવસનું સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા કોઈ જ એક્શન ન લેવાતા આજે થરાદ ખાતે બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળના પ્રતિનિધિઓની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ગાંધીનગરમા ઉપવાસ આંદોલન માટેની યોજના તેમજ તાલુકા તાલુકે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવાના નિર્ણય પણ લેવાયો છે. જેથી આગામી દિવસોમાં હવે ગૌ શાળાઓ અને પાંજરાપોળના સંચાલકો આક્રમક મૂડમાં જોવા મળશે.