બનાસકાંઠા : ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન નવી ગાડી લાવતા વિવાદ
- હાલના ચેરમેન એક વ્યક્તિ, બે હોદ્દા, બે ગાડી
- પૂર્વ ચેરમેને 10 વર્ષ સુધી ગાડી વાપરી નહીં કે ડીઝલ બિલ પણ ઉધાર્યું નહીં
બનાસકાંઠા 27 જૂન 2024 : ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઇ રબારીએ માર્કેટયાર્ડના ખર્ચે મોંઘી લક્ઝરી કાર લાવતા વિવાદ સર્જાયો છે. કારણ કે ગોવાભાઇ માર્કેટયાર્ડના ચેરમેન ઉપરાંત ખેતી બેંકના જિલ્લા ડિરેક્ટર છે અને તેઓ ખેતીબેંકની ઇનોવા કાર પણ વાપરે છે. ઉત્તર ગુજરાતની અગ્રગણ્ય ગણાતી સહકારી સંસ્થા ધી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા ( ડીસા માર્કેટયાર્ડ )એ ખેડૂતોની સંસ્થા છે. ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય અને થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવાભાઇ રબારીને ભાજપ દ્વારા સત્તારૂઢ કરાયા છે.
ગોવાભાઇ ચેરમેન ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (ખેતી બેંક) ના બનાસકાંઠા જિલ્લાના ડિરેક્ટરનો હોદ્દો પણ ધરાવે છે. ગોવાભાઇ દેસાઈ પાસે સહકારી સંસ્થા ખેતી બેંક દ્વારા અપાયેલી મોંઘી ઇનોવા કાર છે. જે તેઓ દૈનિક ધોરણે ઉપયોગ કરે છે.તેમ છતાં તાજેતરમાં ડીસા માર્કેટયાર્ડ દ્વારા રૂપિયા 36 લાખ ઉપરાંતના ખર્ચે નવી ગાડી ખરીદવામાં આવી છે. જેનો બોજો માર્કેટયાર્ડ પર નાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા માર્કેટયાર્ડમાં પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈએ 10 વર્ષના સાશનમાં માર્કેટયાર્ડની ગાડી નો ઉપયોગ કર્યો નથી કોઈ નવી ગાડી ખરીદી નથી તેમજ હંમેશા પોતાની પર્સનલ ગાડી વાપરી છે તેમજ કોઈ દિવસ ડીઝલનું બિલ પણ માર્કેટ યાર્ડમાં ઉધાર્યું નથી. જેથી ગોવાભાઇ દેસાઈ દ્વારા ખેડૂતોની સંસ્થા હોવા છતાં આવો મોંઘો ખર્ચ કરાતા વિવાદ સર્જાયો છે. આમ ભાજપમાં એક વ્યક્તિ એક જ હોદ્દા પર રહી શકે તેવો નિયમ છે. પરંતુ ગોવાભાઇ દેસાઈ દ્વારા એક વ્યક્તિ બે હોદ્દા અને બે ગાડી રાખી પોતે મોભાદાર હોવાનો વટ રાખી બંને સહકારી સંસ્થાઓને નુકસાન કરી રહ્યા છે તેવું સહકારી વર્તુળોમાં ચર્ચાઇ રહ્યુ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના આસેડા પે કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો