બનાસકાંઠા: ડીસામાં નદી કાંઠાની લીજ પર તંત્રની સતત વોચ; બિપરજોય વાવાઝોડાથી નુકસાન થતું અટકાવવાના પ્રયાસો


પાલનપુર: બિપરજોય વાવાઝોડાને પગલે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં નદી વિસ્તારમાં આવેલી તમામ લીજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેને પગલે આજે ડીસા તાલુકા પોલીસ દ્વારા નદી વિસ્તારમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
બિપરજોય વાવાઝોડાને લઈ સમગ્ર ગુજરાત ચિંતાતુર બન્યું છે અને તે આવતા કેવી તબાહી મચાવશે તેને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાના કારણે સૌથી ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં નદી વિસ્તારમાં આવેલી તમામ રેતીની લીઝ પણ બંધ કરવાનો આદેશ કરાયો હતો. ડીસા પંથકમાં અંદાજિત 30થી વધુ રેતીની લીઝ આવેલી છે. તે તમામ રેતીની લીઝ ગઈકાલથી જ ખાણ ખનીજ વિભાગે બંધ કરવાનો આદેશ કર્યો છે.
ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાં પણ આવેલા તમામ ધારકોએ ગઈકાલથી જ તેમના હિટાચી મશીન બંધ કરી રેતી ભરવાનું બંધ કર્યું હતું. જોકે કોઈ લીજધારક લીજ ચાલુ ન રાખે તે માટે પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાયું છે અને તંત્ર પણ તમામ નદીકાંઠાના વિસ્તારો પર બાજ નજર રાખી રહ્યું છે. જેથી આવનારા વાવાઝોડાના સંકટને લઈ લોકોના જાનમાલને નુકસાન થતું અટકાવી શકાય.
આ પણ વાંચો :બનાસકાંઠા: કાચા મકાનોમાં રહેતા લોકો, સગર્ભા માતાઓ, મજૂરોનું શેલ્ટર હોમમાં કરાયું સ્થળાંતર