ગેનીબેનના નિવેદનથી પક્ષના કાર્યકરો નારાજ, જુઓ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ
અમદાવાદ, 07 જૂન 2024, ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પર જીત મેળવીને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હવે દિલ્હી દરબારમાં પહોંચી ગયાં છે. રાજ્યમાં ત્રીજી વાર હેટ્રિક મેળવવાનું ભાજપનું સપનું તેમણે રોળી નાંખ્યું છે. જીત મેળવ્યાના એક દિવસ બાદ જ ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં હાલમાં ઉમેદવારે પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડવી પડે છે. એના બદલે પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે.ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરની જીત કોંગ્રેસ માટે મોટી જીત ગણાઈ રહી છે. છેલ્લી બે ટર્મથી પાર્ટી એકપણ બેઠક જીતી શકતી ન હતી. તેમના આ નિવેદન બાદ બનાસકાંઠા જિલ્લા સંગઠનમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી નારાજગી વ્યક્ત કરી છે.
હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી
ગેનીબેને પાર્ટીના સંગઠન અંગે વાત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો છે કે, ભાજપની સરખામણીમાં કોંગ્રેસનું સંગઠન હજી કાચુ છે. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિમાં ઘણો બધો અભાવ છે. જેના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાની સમાજની તાકાતથી લડવું પડે. એના બદલે પેરેલલ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે. જે માણસ ખોટું કરે છે તેને જો પક્ષમાંથી દૂર નહીં કરો તો બીજા તેનાથી પ્રેરિત થતા હોય છે જેના કારણે પાર્ટીને નુકસાન થતું હોય છે. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી.
ગેનીબેનના નિવેદનને લઇ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ
બનાસકાંઠામાં ગેનીબેનના નિવેદનને લઇ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગેનીબેન ઠાકોરનું સંગઠન મામલે નિવેદન દુઃખદ છે. જે નિવેદન આપ્યુ તે પાયાના કાર્યકરોને ઠેસ પહોંચાડવાવાળુ છે.કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પક્ષમાં ગેરશિસ્ત ચલાવી ન લેવી જોઈએ એ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કોંગ્રેસ પક્ષ વિરોધી કામ કરનાર સામે કડક કાર્યવાહી કરશે. વધુમાં કહ્યું કે, સંગઠનમાં મજબૂતી સતત ચાલતી પ્રક્રિયા છે. સક્રિયતાથી કામ કરનારને આગળ લઇ જવાની પ્રક્રિયા કરાશે અને આગામી સમયમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કાર્યવાહી કરાશે.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું