બનાસકાંઠા : ડીસા એસટી ડેપોના કંડક્ટરે બસમાંથી મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો
- કંડક્ટરની પ્રમાણિકતાને એસટી અધિકારીઓએ બિરદાવી
પાલનપુર : ડીસા એસટી ડેપોના કંડક્ટરે બસમાંથી બિનવારસી હાલતમાં મળેલો કિંમતી મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મુસાફરોએ તેમજ એસટી અધિકારીઓએ કર્મચારીની પ્રમાણિકતાને બિરદાવી હતી. ડીસા એસટી ડેપોની પાટણ તરફ જતા રૂટની બસ પાટણ ડેપોમાં પહોંચ્યા બાદ તેમાંથી 30 હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેથી ફરજ પરના કંડક્ટર વિક્રમભાઈ ધુંખે આ મોબાઇલ ડીસા ડેપોમાં જમાં કરાવી દીધો હતો.
તે દરમ્યાન બસમાં પોતાનો મોબાઈલ ફોન ભૂલી ગયેલા પાટણ નજીકના લાખડપ ગામના મુસાફર હંજલા જાવિદભાઈ માણશિયાએ આજે ડીસા ડેપોનો સંપર્ક કરતાં ડેપોના ફરજ પરના અધિકારીઓએ આ મુસાફરની ખરાઈ કરી 30 હજારની કિંમતનો મોબાઈલ મૂળ માલિકને પરત સુપ્રત કર્યો હતો. આમ ડીસા ડેપોના કંડક્ટરે પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા: લો બોલો…! બાઈક ચોરવા તસ્કરો ડીસામાં રિક્ષામાં ફરતા, બે શખ્શોની પોલીસ સમક્ષ કબૂલાત