બનાસકાંઠા: ડીસામાં દશા માતાના વ્રતની પૂર્ણાહુતિ, મહિલાઓએ દશામાના વ્રતની ઉજવણી કરી
પાલનપુર: ડીસામાં મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં મહિલાઓએ નદીએ પહોંચી મા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરી હર્ષભેર વિદાય આપી હતી. તો બીજી તરફ આ વર્ષે બનાસ નદીમાં પાણી આવતા જ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મહિલાઓએ ગામ પાસેથી જ પસાર થતી નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
બનાસ નદી કિનારે વ્રતધારી મહિલાઓના ટોળેટોળા ઉમટ્યા
ડીસામાં 10 દિવસ સુધી દશામાંના વ્રત નિમિત્તે પૂજા અર્ચનાને પગલે ભક્તિમય માહોલ છવાયો હતો. આજે દસ દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત મોડી રાત સુધીમાં દશામાની આરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી. વહેલી સવારે વાજતે ગાતે દશામાની જય બોલાવતા બોલાવતા વ્રતધારી મહિલાઓ નદીએ પહોંચી હતી અને નદીના પાણીમાં દશામાની પ્રતિમાઓનું ખુશી ખુશી વિસર્જન કર્યું હતું.
દર વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે દશામાની મૂર્તિઓના વિસર્જન માટે મહિલાઓને ખૂબ જ તકલીફ પડતી હતી, પરંતુ આ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ ભરાઈ જતા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેથી બનાસ નદીમાં પાણી આવતા મહિલાઓમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વ્રતધારી મહિલાઓએ ગામ નજીક જ બનાસ નદીએ પહોંચી દશામાની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં મણીપુરની ઘટના સંદર્ભે આદિવાસી સમાજે આવેદનપત્ર આપ્યું