બનાસકાંઠા : ડીસાના રાણપુર ગામે જમીન ન હોવા છતાં અસરગ્રસ્તોને જમીન ફાળવવાના હુકમ સામે ફરિયાદ
- ગેરકાયદેસર સર્વે ન થાય તે માટે નોટીસ આપી
પાલનપુર : ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ ગામે સ્થળ પર જમીન ન હોવા છતાં ખોટો હુકમ કરી અસરગ્રસ્તોને જમીન ફાળવી દેતા ગામના અરજદાર દ્વારા જિલ્લા કલેક્ટરની કોર્ટમાં ફરિયાદ કરી છે. ફરિયાદ કરવા છતા પાછલા બારણે સર્વે ન થાય જે માટે જિલ્લા નિરીક્ષક જમીન વિભાગને અરજદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ડીસાના રાણપુર આથમણા વાસ ગામે દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીની જમીન અસરગ્રસ્તોને આપવા 200 એકર જમીન ફાળવવામાં આવી હતી. જે જમીન અસરગ્રસ્ત ખેડૂતોને 1977 અને 1979માં ફાળવી દેવામાં આવી હતી અને ત્યારબાદ જમીન વધતી ન હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં પાલનપુર નાયબ કલેક્ટર દ્વારા 2011ની સાલમાં હે. આરે 1.61.88નો હુકમ કરી નવો સર્વે નમ્બર બનાવી કબ્જો સોંપવા ડીસા મામલતદારને જાણ કરતા સ્થળ પર જમીન ન હોવાથી મામલતદારે કબ્જો આપ્યો ન હતો.
ત્યારબાદ ગામના અરજદારે ઓગસ્ટ 2023ના રોજ ખોટા હુકમ અને જમીન ન હોવા છતાં ખોટી રીતે કબ્જો લેતા હોઈ જિલ્લા કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ હાલ ચાલી રહ્યો છે, ત્યારે જિલ્લા નિરીક્ષક જમીન વિભાગ દ્વારા ખોટી જગ્યાએ માપણી સીટ બેસાડી જમીન બતાવવાની પેરવી કરતા હોવાનું ધ્યાને આવતા અરજદારે વકીલ મારફત કોર્ટમાં કેસ ચાલતો હોઈ માપણી ન કરવા નોટિસ આપી છે અને કલેક્ટરની કોર્ટમાં આ જમીનના કેસનો નિકાલ ન થાય ત્યા સુધી કોઈજ પ્રકારની ખોટી રીતે માપણી કરી ગેરકાયદેસર સીટ બેસાડવાની કાર્યવાહી ન કરવા અને જો આમ થશે તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
રાણપુર ગામે યુનિવર્સીટી અસરગ્રસ્તોના નામે ખોટી જમીન ફાળવણી મામલે હાલ કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને પુરાવા જોતા નાયબ કલેક્ટરથી માંડી અનેક અધિકારીઓએ ખોટા રેકર્ડ ઉભા કરેલા હોઈ અને સ્થળ પર જમીન ન હોવા છતાં અન્ય ખેડૂતને જમીન કઈ રીતે લીધી તે પણ એક સવાલ ઉભો થાય છે. ત્યારે જમીન ખરીદનારે ખોટો નકશો બનાવી જમીન પચાવી પાડવાની પેરવી હાથ ધરી હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટરની કોર્ટના ચુકાદા બાદ મોટા તથ્યો બહાર આવી શકે છે.
આ પણ વાંચો : આગાહીને પગલે એલર્ટ:ડીસા માર્કેટયાર્ડ સત્તાધીશોની ખેડૂતો-વેપારીઓને અનાજ સુરક્ષિત રાખવા સૂચના