ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

બનાસકાંઠા કલેક્ટરના હસ્તે અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ

Text To Speech

પાલનપુર, 12 સપ્ટેમ્બર 2024, શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ૧૮ મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત થતી હોવાથી જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો.

પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી
અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. કલેકટર મિહિર પટેલે લાખો માઇભક્તોને મેળામાં આવકારતાં મા અંબા માઈભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેકટર મિહિર પટેલે સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી.

સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. માં અંબા ને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠી ને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે.

આ પણ વાંચોઃઅંબાજી ભાદરવી પૂનમના મેળા માટે એક હજાર ઘાણ એટલે કે 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે

Back to top button