ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વાદળછાયું વાતાવરણ, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

  • વધુ માહિતી માટે ગ્રામ સેવક અથવા જિલ્લા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરો

પાલનપુર : હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઇ આ અઠવાડિયા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે. જિલ્લામાં રવિ ઋતુમાં રાઇ , ચણા , અજમો , જીરુ , ઘઉં , સવા , તમાકુ , બટાકા , શાકભાજી વગેરે પાકોના વાવેતરનો સમાવેશ થાય છે. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે દિવેલા , કપાસ , રાઇ , વરિયાળી , જીરૂ ચણા , શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલાં લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

રાઇ , ચણા , અજમો , જીરુ , ઘઉં , સવા , તમાકુ , બટાકા , શાકભાજી સહીત કોઇ પાકમાં જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જીરુ પાકમાં કાળીયા રોગના રક્ષણ માટે મેનકોઝેબ દવા એક પંપમાં 35 ગ્રામ પ્રમાણે મેળવી સાબુના સંતૃપ્ત દ્રાવણ સાથે જીરુના પાકમાં 35 દિવસ , 45 દિવસ અને ૫૫ દિવસ મુજબ 3 છંટકાવ કરવા. રાઇ , વરિયાળી , શાકભાજી જેવા પાકોમાં મોલો મશી અને તડતડિયા જેવી ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની જંતુનાશક દવા નો છંટકાવ કરવો.

રાઇ પાકમાં મોલોની શરૂઆત થાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી તૈયાર કરેલ 5 % અર્ક અથવા લીમડાના તેલ આધારિત દવા 40 મિ.લી ( 0.15 ઇસી ) 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. રાઇ પાકમાં મોલોનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ઇમીડાક્લોપ્રીડ 70 ડબલ્યુજી 2 ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી 4 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ક્વીનાલફોસ 1.5 % પાવડર હેક્ટરે 20 થી 25 કિલો ગ્રામ મુજબ છંટકાવ કરવો. ભેજવાળા વાતાવરણને કારણે રાઈ તથા જીરુ જેવા પાકોમાં ફુગજન્ય રોગ થવાની શક્યતાઓ હોઇ ભલામણ મુજબ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.

કમોસમી વરસાદ થાય તો પિયત ટાળવું

કમોસમી વરસાદની પરિસ્થિતિ ઉભી થાય તો રાઇ , ચણા , અજમો , જીરુ , ઘઉં , સવા , તમાકુ , બટાકા , શાકભાજી વગેરે ઊભા પાકોમા પિયત ટાળવુ. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. ફળ પાકો, શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા. વધુ પ્રમાણમાં કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં જીરું , રાઇ તથા ચણા જેવા ઉભા પાકોમાં પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો. વિણી કરેલ શાકભાજી કે કાપણી કરેલ પાક હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી.

કપાસ પાકમાં વિણી બાકી હોય તો કરી લેવી અને કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ બિયારણ અથવા જંતુનાશક દવા જેવી ખેત સામગ્રી પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવુ. વધુ માહિતી માટે નજીકના ગ્રામ સેવકનો અથવા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

આ પણ વાંચો : હિન્દુત્વને નુકસાન પહોંચાડે તેવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ :મહંત શ્રી રાજેન્દ્રારાનંદ ગીરીજી

Back to top button