બનાસકાંઠાની ચકચારી ઘટના : ડીસાની પરિણીતાને રાજસ્થાનમાં વેચી દુષ્કર્મ આચર્યું
- ત્રણ મહિના સુધી પરિણીતાને ભીનમાલમાં ગાંધી રખાઈ
- કોર્ટના હુકમથી ડીસા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
પાલનપુર : ડીસા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને તેના પિયર પક્ષના લોકો જીપમાં અપરણ કરી ઉઠાવી ગયા હતા. અને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી રાજસ્થાનના ભીનમાલના એક યુવકને વેચી નાખી હતી. આ યુવકે પરિણીતા ઉપર દુષ્કર્મ આચરીને ત્રણ મહિના સુધી ગોંધી રાખી હતી. જે અંગેની ફરિયાદ ડીસા કોર્ટના આદેશથી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ ગુનામાં નવ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.
આ અંગેની હકીકત એવી છે કે, મૂળ રાજસ્થાનની યુવતીને ડીસા તાલુકાના એક યુવક સાથે પરિચયમાં આવી પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે 9 જૂન ’22 ના રોજ પરિણીતા તેના પતિના ઘરે ખેતરમાં એકલી હતી. દરમિયાન બપોરના સમયે પરિણીતાના પિયર પક્ષના લોકો જીપ નંબર જી. જે. ૩ ઉજેએલ 5489 લઈને ત્યાં આવ્યા હતા. અને બળજબરીથી તેણીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેણીએ બચાવો… બચાવો….ની બૂમ પાડી હતી. આ દરમિયાન પરિણીતાનો પતિ સામેથી આવી રહ્યો હતો.
ત્યારે જીભ ઊભી રાખી અને પરિણીતાના પિયરીયાઓ એ તેના પતિને કહ્યું કે “તેણીને અમે લઈ જઈએ છીએ અને મારી નાખીશું, તો લેવા આવતો નહીં” તેમ કઈ રાજસ્થાનના મંડાર જતા રહ્યા હતા. જ્યાં પરિણીતાના ફઈ અને તેના ભાઈએ સાથે મળીને ડોક્ટર પાસે લઈ જઈ પરિણીતાનો ગેરકાયદેસર ગર્ભપાત કરાવી દીધો હતો. ત્યારબાદ દસ દિવસ તેણીને તેની ફઈના ઘરે રાખી હતી. જ્યાં તેણીના ભાઈએ રાજસ્થાનના ભીનમાલથી એક યુવકને બોલાવી તેણીને વેચી દીધી હતી.
જ્યાં યુવકે પરિણીતાને ગેરકાયદેસર રીતે ત્રણ મહિના સુધી ગોંધી રાખી તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ દરમિયાન પરિણીતાએ માંડ માંડ તેના પતિનો સંપર્ક કરી સઘળી વાત કરતા તેનો પતિ ત્યાંથી તેને છોડાવી લઈ આવ્યો હતો, અને સમગ્ર હકીકત તેના સાસરે કરી હતી. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ આપવા છતાં પોલીસે ફરિયાદ ન લેતા ડીસા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના પગલે કોર્ટે ડીસા પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે.
રાજસ્થાન પોલીસે વિડીયો ઉતાર્યો
ડીસા તાલુકાની પરિણીતાને તેના પિયરિયા મંડાર ખાતે લઈ ગયા હતા. જ્યાં મંડાર પોલીસ મથકમાં ત્રણથી ચાર કલાક પરિણીતાની પૂછપરછ કરી હતી. અને પોલીસે તેનો વિડીયો ઉતાર્યો હોવાનો તેણીએ આક્ષેપ કર્યો છે. તેણીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, મને જબરજસ્તીથી ધમકી આપી મારા પતિ વિરુદ્ધ બોલાવરાવીને સહીઓ લીધી હતી.
ડોક્ટર સાહેબ, ચોથો મહિનો જાય છે, આવું ના કરો
પરિણીતાને મંડાર લઈ ગયેલા તેના ભાઈ અને ફઈ એક ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં સગર્ભા રહેલી પરિણીતાને એક ગોળી અને ઇન્જેક્શન આપતા અર્ધ બેભાન અવસ્થામાં હતી. ત્યારે ડોક્ટરે ગર્ભપાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. અને પરિણીતાએ જણાવ્યું હતું કે, ડોક્ટરને કહેતી હતી કે, મારે ચોથો મહિનો જાય છે સાહેબ, તમે આવું ના કરો. પરંતુ મારી કોઈ વાત સાંભળી ન હતી.
આ નવ લોકો સામે નોંધાઈ ફરિયાદ
1. સુરેશભાઈ ઓખારામ મોદી
2. રૂખીબેન ઓખારામ મોદી
3. સુખીબેન ચંદુજી મોદી (તમામ રહેવાસી-મંડાર, રાજસ્થાન )
4. ડોક્ટર ભાટી (રહેવાસી- રેવદર)
5. જમનાબેન પ્રભુજી (રહેવાસી- જીવાતરા, રાજસ્થાન)
6. દિનેશભાઈ હીરાજી મોદી ( રહેવાસી- ભીનમાલ, રાજસ્થાન)
7. જીપ નંબર જીજે ૩ ઉજેએલ 5989 નો ચાલક
8. તેજાજી હીરાજી
9. લતાબેન તેજાજી
આ પણ વાંચો : મોરબી દુર્ઘટના : ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, કાલે સુનાવણી