બનાસકાંઠા : કેન્સરપીડિત દર્દીઓને હવે ઘર આંગણે મળશે કિમોથેરપી સારવાર
- બનાસ સિવિલ જનરલ હોસ્પિટલમાં રૂ. 12 કરોડનો ખર્ચે કિમોથેરાપી સેન્ટર શરૂ
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્દહસ્તે ઈ -લોકાર્પણ કરાયું
પાલનપુર : ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર જે પુરા ભારતભરમાં ખેડૂતોની એકમાત્ર હોસ્પિટલ છે. બનાસડેરીના ચેરમેન અને બનાસ જનરલ હોસ્પિટલના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન થકી દેશ અને દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં કુલ જુદા જુદા 22 સ્થળો ખાતે 212 કરોડના કિમોથેરાપી સેન્ટરોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેને કારણે અનેક કેન્સરના દર્દીઓ , અમદાવાદ સુધી ધક્કા ખાઈ રહ્યા હતા ત્યારે પાલનપુર ખાતે બનાસ જનરલ હોસ્પિટલ ખાતે ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરાયું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ -લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કેન્સરના દર્દીઓને આ સુવિધાનો લાભ મળી રહેશે.
આ પણ વાંચો : વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર, જાણો કોને કેટલુું મળશે બોનસ
જેમાં રાજ્યના કેન્સરપીડિત દર્દીઓને પોતાના જિલ્લામાં કિમોથેરપી મળશે. આ કિમોથેરાપી સેન્ટર માટે રૂ. 12 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રસંગમાં જી.એન.પી.સી. ટ્રસ્ટના ચેરમેન પી.જે.ચૌધરી, ડૉ. સુનીલ જોષી, ડો. મનોજ સત્તીગેરી , ડૉ. સતીષ પાનસુરીયા, સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.
દર્દીઓને શું લાભ મળશે?
આ અંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, જીલ્લાના કેન્સર પીડિત દર્દીઓ માટે અહી સુવિધાઓ ન હોવાને કારણે કિમોથેરાપી સહિતની સારવાર માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતાં હતા તેમજ દર્દી સાથે જનાર સ્વજનોને પણ રજા પાડીને જવું પડતું હતું. અને 2 થી 3 દિવસ રોકાવું પડતું હતું. ધક્કા ખાવાથી દર્દીઓને થાક લાગતો હતો અને આવવા જવાનો ખર્ચ થતો હતો.
હવે આ ધક્કા ખાવા નહિ પડે અને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ માજ કીમો થેરાપી સારવાર મળશે. ઉપરાંત કિમો થેરાપી લીધેલ દર્દીને નબળાઈ, ઇન્ફેક્શન, ઝાડા ઉલટી જેવી આડ અસર થાય અથવા ઓપરેશન કરાવેલ દર્દીઓ ને આવા કેન્સર પીડિત દર્દીની અહીં સારવાર થશે.
કિમોથેરાપી શું છે…
કેન્સરના દર્દીઓને ઓપરેશન બાદ અથવા ઓપરેશન ના થઇ શકે તેવા કેસમાં કેન્સર આગળ ન ફેલાઈ જાય અને દર્દીનું જીવન લંબાઈ તે માટે આવતી મોંઘી દવાઓ કિમોથેરાપી છે. આ દવાઓ કેન્સરના કોષોને મારી નાખે છે અથવા તેના કોષો વધી ના જાય તે માટે આપવામાં આવે છે. આ માટે દર્દીને અમુક દિવસો સુધી કિમોથેરાપી સેન્ટર આવવું પડતું હોય છે. આ દવાઓની આડ અસરો પણ ઘણી હોય છે. તેથી ડોકટરની દેખરેખ હેઠળ તે આપવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી, અમદાવાદના નવા કમિશ્નર બન્યા એમ.થેન્નારસન અને કલેકટર બન્યા ડૉ.ધવલ પટેલ