બનાસકાંઠા : ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય પહોંચ્યા મા અંબાના ધામે
- માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી દેશના સુખકારી જીવન અને પ્રગતિ માટે પ્રાર્થના કરી
પાલનપુર : સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા જગતજનની અંબાનું ધામ દેશ-વિદેશમાં વિખ્યાત છે. તો કરોડો લોકોના આસ્થાનું પણ કેન્દ્ર છે. ત્યારે મા અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો માતાજીના ચરણે આવી શીશ નમાવી આશિષ મેળવતા હોય છે. શક્તિપીઠ અંબાજીમાં કોઈપણ નેતા કે અભિનેતા હોય કે વીઆઈપી મા અંબાનો આશીર્વાદ લેવા અંબાજી આવતા હોય છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય માતાજીના ધામે અંબાજી પહોંચ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય અંબાજી પહોંચી મા જગતજનની અંબાના મંદિરે પહોંચ્યા હતા. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ વતી રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયનો સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય માતાજીના ગર્ભગૃહમાં પહોંચી વિશેષ પૂજા અર્ચના કરી હતી.
તો મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. ત્યારબાદ કૈલાશ વિજયવર્ગીય અંબાજી મંદિરની ગાદી પર જઈ મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવી ભટજી મહારાજ જોડે પણ આશીર્વાદ મેળવ્યો હતો. તો સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય મા જગતજનની અંબા જોડે દેશના સુખકારી જીવન અને પ્રગતિ માટે પ્રાર્થના પણ કરી હતી.