બનાસકાંઠા: ડીસાના થેરવાડા ગામે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈ ભાજપની બેઠક
પાલનપુર: ડીસાની ભડથ જિલ્લા પંચાયત સીટના થેરવાડા ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી. જેમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઇ કાર્યકરોને કામગીરી સોંપવામાં આવી હતી અને તમામ બુથ પર 100 ટકા મતદાન થાય તે માટેના પ્રયાસો કરવા હાકલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ એક એક ગામડે ફરી ભાજપના આગેવાનો કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવા હાકલ કરી રહ્યા છે. જે અંતર્ગત ગઇકાલે ડીસા તાલુકાના ભડથ ગામે પણ જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ભાજપના આગેવાનોએ કાર્યકરોને ચૂંટણીની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત આગેવાનોએ લોકસભાની સાથે સાથે બનાસકાંઠામાં તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમજ ભડથ જિલ્લા પંચાયત સીટ પર તમામ બુથ પર 100 ટકા મતદાન થાય અને વધુમાં વધુ ભાજપ તરફી મતદાન થાય તે માટે આગેવાનોએ કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા માટે સૂચના આપી હતી.
થેરવાડાથી ભડથ અને કોચાસણાથી થેરવાડા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અધુરો હોવાથી અગાઉ પણ સ્થાનિક સરપંચ, આગેવાનો અને લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી પાકો માર્ગ બનાવ્યો નથી. જેના કારણે અહીંથી પસાર થતા રોજના હજારો લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ બેઠકમાં થેરવાડા, કંસારી, ભડથ અને બાઈવાડા ગામના લોકો અને આગેવાનોએ ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી અને જિલ્લા ભાજપ પ્રમુખને રોડ બનાવવા માટેની રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : દિલ્હી-NCRમાં ફરી પૂરનો ખતરો, હથિની કુંડ બેરેજમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયું