ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં વેચાતું ડ્રગ્સ બંધ કરાવવા ભાજપ નેતાની બેઠકમાં રજૂઆત

Text To Speech
  • ડીસા વિધાનસભા વિસ્તારની વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે ભાજપની બેઠક
  • વરિષ્ઠ કાર્યકરોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા

પાલનપુર : ડીસા વિધાનસભા વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ બેઠકમાં ભાજપના નેતાએ ડીસામાં ડ્રગ્સ વેચાતું હોવાની તેમજ યુવાનો ડ્રગ્સ તેમજ ઓનલાઈન જુગારના કારણે સાઇબર ક્રાઈમ નો શિકાર બનતા હોવાથી આ પ્રવૃત્તિ સામે રોક લાવવા ધારદાર રજૂઆત કરી હતી. બેઠકમાં વર્ષો જૂના વરિષ્ઠ કાર્યકરોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા કેન્દ્રમાં 400 બેઠકો સાથે જીતનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

 

ત્યારે ભાજપે મોદી સરકારના નવ વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કરેલા કાર્યો લોકો સમક્ષ લઈ જવા ડીસા વિધાનસભાની વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ બેઠકો યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળી, ડીસા પ્રભારી ઉષાબેન જોશી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે, જિલ્લા ભાજપ મંત્રી રમેશભાઈ દેસાઈ, અમરતભાઈ દામા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકમાં ભાજપના વર્ષો જુના વરિષ્ઠ કાર્યકરોએ વડીલોએ પોતપોતાના વિસ્તારના રોડ, રસ્તા, તળાવો, શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરત દવેએ ડીસા વિસ્તારમાં ડ્રગ્સ વેચાતું હોવાનો ઉલ્લેખ કરી આ બદી તાત્કાલિક બંધ કરાવવા આગેવાનોને રજૂઆત કરી હતી. આ ઉપરાંત યુવાનો ઓનલાઈન જુગારના કારણે બરબાદ થઈ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા હોઇ આ બદીઓ રોકવા સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું .


કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળ્યા બાદ ધારાસભ્ય પ્રવીણ માળીએ વરિષ્ઠ કાર્યકરોને જણાવ્યું હતું કે, ભાજપને વર્ષો સુધી મજબૂત રીતે ટકાવી રાખવી હશે તો વરિષ્ઠ કાર્યકરોએ પણ યુવાનોને તેમજ ટેકનોલોજીના જાણકારોને સાથે રાખીને તક આપવી પડશે. તેમણે કાર્યકર્તાઓએ રજૂ કરેલા પ્રશ્ન અંગે કેટલાક પ્રશ્નો પાંચ વર્ષની અંદર તેમજ કેટલાક પ્રશ્નો તો એક બે વર્ષમાં જ ઉકેલી દેવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો :  બનાસકાંઠા : પાલનપુરના જ્વેલર્સને લૂંટવાના કારસામાં વધુ બે શખ્સો ઝડપાયા

Back to top button