બનાસકાંઠા : વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડીસા શહેર પોલીસ દ્વારા યોજાઈ બાઈક રેલી
પાલનપુર : વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડીસા શહેર પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ જોડાઈને લોકોને યોગ અંગે જાગૃત કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015 થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી.ત્યારે ડીસા શહેર પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણી અંતર્ગત બાઈક રેલી નું આયોજન કરાયું હતું.
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકેથી નીકળેલી બાઇક રેલીમાં તમામ પોલીસ કર્મચારીઓ બાઇક સાથે જોડાયા હતા, અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. સાથે જ લોકોને યોગ થકી શરીર અને મનને મજબૂત બનાવી સશક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેમજ 21મી જૂનના દિવસે તમામ લોકોએ અવશ્ય પોતાના પરિવાર સાથે યોગ કરી આ દિવસની ઉજવણી કરવી જોઈએ તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચો : વડોદરા : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તો માટે 32 ટન શીરો તૈયાર કરાયો